પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

તાલે એ નાના પગનાં મોર-પગલાં ગૂંથવા લાગ્યાં. બાળક તે ઘડીએ વિશ્વની કોઈ શાળામાં ભણવા બેસી ગયો. બાળકના મગજમાં મોટેરાઓના મુદ્રાલેખો લખાતા નથી. મુદ્રાલેખો તો માણસ એ વાતના લખતો રહ્યો છે, જે વાતનો એનામાં સર્વથા અભાવ હોય છે. પણ બાળકે પોતાના ભેજામાં મુદ્રાલેખના ડૂચા ઘોંચવાનો એક પણ પ્રયત્ન કર્યા વિના પોતાનું જીવન-નિર્માણ જાણી લીધું; એણે નૃત્ય, સંગીત અને ડમરુ-બાજનના ત્રેવડા સામે છાના હૈયા-હોંકારા દીધા. ભૂખ્યો બાળ 'ખાવું' ભૂલીને 'ગાવું' વડે જઠરનો ખાડો પૂરવા લાગ્યો. પેટની ક્ષુધા એને તુચ્છ લાગી. મદારીએ એની માનું સ્થાન પૂરી લીધું. જંગલ્નો જાયો જંગલને ખોળે જીવનની જડીબુટ્ટી પામ્યો.

મદારીના નૃત્યમાં ક્યા ક્યા નાચના તાંતણા ગૂંથાતા ગયા? મુરલીધર કૃષ્ણ ગોપાલના? પરમના પણ પરમેશ્વર મહાદેવના? મહિયારી રાધિકાના? અમર નર્તિકા મેનકાના ? બંસી-મુગ્ધ ગોપીના? નામો એ નહોતો જાણતો. પ્રકારો એને ખબર નહોતી. તાલીમ એણે કોઈ ઉસ્તાદ પાસે લીધી નહોતી. જિંદગીમાં પહેલી જ વાર એને દિલ હરનાર બાળક જડો હતો. માબાપની ગોદ એને નજીવી જ મળી હતી. જંગલના જાયાઓ માનો ખોળો ખાલી ક્યારે ભાળી શકે? એ ખોળામાં જીવનના જુદ્ધ બેઠા હોય છે. એ ખોળાની મદારીને આજ સાઠ વર્ષે આછી આછી પણ યાદ નહોતી. બીજો ખોળો વહુનો. મદારીએ વહુ દીઠી નહોતી. નારીના ભુજપાશમાં એ શરીર સમાયું નહોતું. રીંછણ અને વાંદરી સિવાયના સ્ત્રી-સ્નેહથી એ વંચિત હતો. એવા અસીમ વેરાન પટમાં ઘૂમેલા ડોસાને બાળકના લીલા પ્યારની એક રણ લીંબડી આજે આછો છાંયડો આપવા મળી ગઈ. ઇન્સાનથી ભાગી છૂટેલા, પોલીસથી ભયગ્રસ્ત, માન્વ-જગતના કુત્તાઓને પણ કાળ સમી લાગતી દુર્ગંધ છોડતા આ વૃદ્ધ શરીરને બાળક સાંપડ્યું, એના રોઇમ રોમમાંથી નૃત્યનાં સ્પંદન નીતર્યાં. સુકાઈ ગયેલી સાવરણીઓ કોઈ ભાડ પડેલા કૂવામાંથી બડબડિયાં બોલાવતી બહાર ધસી.