પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

પહોંચ્યું છે. ઘરઘરના બારણાંમાંથી નાનાં-મોટાં છોકરાં નીકળી પડ્યાંઅમે કૂતરાંના કટકમાં દાખલ થયાં. કૂતરાં ત્યાં હૃષ્ટપુષ્ટ હતાં કેમ કે પશુઓ ત્યાં ઘાસ અને પાણી વિના ઝાઝા પ્રમાણમાં મરી જઈને કૂતરાંને જોઈએ તે કરતાં વધુ ખોરાક પૂરો પાડતાં. બાળકો ત્યાં બિહામણાં હતાં - જાણે જમીનમાંથી દાટ્યા પછી પાછાં સળવળીને બહાર નીકળ્યાં હતાં. તેઓનાં પેટમાં બરલની ગાંઠો જામતી એથી કરીને અનાજની અછત આપત્તિરૂપ નહોતી. એમના પેટના દંદૂડા ચડેલા જ રહેતા. પોસીસ-પસાયતાની એ ગામડામાં જરૂર નહોતી, કેમ કે ચોરી-મારામારી કરવાની એ ભૂખ્યાં લોકોમાં શક્તિ નહોતી. છોકરાંઓએ ટોળું બાંધીને મહેમાનોનો પીછો લીધો "

"એલા...રીંછડું!"

"એલા...રીંછડાને માથે છોકરો!"

"છોકરો દાંત કાઢે છે!"

"દાંત કાઢતો બંધ જ થતો નથી!"

"એલા...કાળવા કૂતરાએ મદારીને પગે વડચકું ભર્યું!"

"તોય છોકરો તો દાંત જ કાઢી રિયો છે!"

"એ...એ છોકરાના તોલામાં મારો પાણકો આંટી ગયો!"

"તોય એ તો દાંત જ કાઢી રિયો છે, એને વાગતું-બાગતું નથી લાગતું!"

મદારીના પગમાંથી કૂતરાએ માંસનો લોચો કાઢી નાખ્યો હતો. એ પીડાતો પીડાતો નીચે બેસી ગયો, ગામનાં છોકરાઓના બોલ પરથી એણે પછવાડે નજર કરી. રીંછણ ઉપર બેઠેલા બાળકની દાંતની ઉપર-નીચેની બંને પંક્તિઓ એણે બહાર દેખી.

"કેમ દાંત કાઢી રિયો છે રે?" કૂતરાના કરડની વેદનાને માથે આ બાળકનું હસવું ગુઢ્ઢાથી સહન ન થઈ શક્યું. એણે બાળક સામે ડોળા કાઢ્યા. બાળકનું મોં નિહાળીને જોવું એ ભૂલી ગયેલો.

"અં - હં - " એટાલું જ બોલીને બાળકે ડોકું હલાવ્યું; છતાં