પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

ને બીજા થોડા કલાકો પછી પોલીસખાતાને ખબર અપાઈ.

"પણ આનો સબબ શું?" પોલીસ-અમલદારો હંમેશાં 'સબબ' શબ્દથીજ વાત શરૂ કરે છે. "બીજા કોઈ બાળકનું નહિ ને મજકૂર છોકરાનું અપહરણ કરવામા આવે એનો સબબ શું ?"

એ સબબની ચાવી પોલીસને આપોઆપ આવી પડી.તેજુની ગિરફતારીના છ મહિના એ જ પ્રભાતે પૂરા થયા હતા. તેજુડી અનાથાલયને દરવાજે પોતાનો બાળ પાછો લેવા આવીને ખડી થઈ હતી.

"તારો બાળક ગુમ થયો છે," એ જવાબ સાંભળીને તેજુ જ્યારે ત્યાં થંભી રહી ત્યારે એની છાતી ન ભેદાઈ. એણે ચીસ ન પાડી. સંસારની સાવરણીમાં વળાઈ જનારાં કીડી-મકોડાં કશી અજાયબી અનુભવતાં નથી. એવા માનવીનું બાળક જેટલી આસાનીથી દવા વગર મરી જઈ શકે છે તેટલી જ સરળતાથી ગુમ પણ થઈ શકે છે. એનાં આંસુને એની મૂઢતા શોષી ગઈ. અનાથાલયના સંચાલક પાસેથી આખા જ ઈતિહાસના અંકોડા મેળવી લઈને પોલીસે અનુમાન બાંધ્યું કે આમાં કાંઈક કાવતરું છે.

"તારા છોકરાનાં કોઈ ચહેરા-નિશાન છે, અલી વાઘરણ ?" અમલદારે તેજુડીને પૂછ્યું.

"મારે એને ગોતવો નથી."

"તારે એને ગોતવો નથી પણ મનુષ્ય-અપહરણનો ગુનો ઠર્યો એટલે અમારે તો ગોતવો જ પડશે ને?"

"એના જમણા હાથે ત્રાજવા ત્રોફીને મેં આકાર કાઢ્યો છે."

"શેનો આકાર - અડદનાં પૂતળાંનો?"

"ના, એક તળાવડીની પાળ્યે ખીજડી છે."

"તને કોઈને માથે શક છે?" પોલીસનો આ સવાલ ખજાનાની ચાવીરૂપ હોય છે. એ ચાવી બેઉ બાજુ ફરે છે, બેઉ બાજુથી તાળાં ઊઘડે છે, ને ખજાના પગમાં આવી વેરાય છે.

"ના, મને પરભુ કોઈના માથે શક ન કરાવે !"