પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

નાય છે ને? એ કાંઈ અકરમ નથી કરતાં એમ થોડું છે ને ? પણ પાછા દેઈના મેલ ધોવા પણ ઈવડા ઈ પોકી જાય છે ને? આપણેય એને પગલે ચાલીએ નો સારાં લાગીએં. આપણેય મનખા-અવતાર છે. એના જેવા નહિ થાયેં ત્યાં લગણ એના ભેળાં રહી પણ કેમ શકાશે ? એટલે તારે માથે કલંક છે ઈ તું એક વાર ધોઈ આવ, બાઈ, તો પછેં તને નાત્યમાં ભેળવી લઈએ."

"પણ મારે જાવું શી રીતે?"

"હં - અં! એય હું તને કહું છું, બાઈ, કહું છું. એનો બંદોબસ્ત કર્યા વિના તને હું કે'વા નથી બેઠો. તું ગઈ ને ત્યારે જ એક ધરમી જીવ આંહીં આવેલો. તને એણે દીઠેલી. અમને એણે પૂછ્યું કે ભાઈ, કોઈને પાપ પ્રાછત કરવાં હોય તો હું કરાવવા રાજી છું. અમે જઈને કહ્યું કે 'આ અમારી બાઈ છે એને એક તો જેલ જાવાનું પાપ લાગ્યું, ઈ તો ઠીક - અમારે ઈ વાતનું કાંઈ નહિ, પણ બીજું મોટું પાપ થતાં થઈ ગયું છે એનાથી.' તો એ બચાડા ધરમી જીવે કહ્યું કે 'એવું હોય તો અમે ધણિધણિયાણી આજ રાતે જ ડાકોરજી જાયેં છયેં. અમારે નથી છોકરું - નથી છૈયું. અમારે તો એક બાઈમાણસ ભેળું હશે તો સે'ઠે આવશે. ને અમારે પ્રભુની પુન્યાઈ છે. પચી રૂપરડી ભાંગ્યે જો એવી જુવાન બાઈનો અવતાર ઊજળો થાતો હોય તો ઠાકર લેખે ! માટે એને મારે ઘેર આજ રાતે ને રાતે લાવજો.' દીએ તો એણે લાવવાની ના પાડી છે કેમ કે એને જાતરાએ ઊપડવું છે એટલે ઓછવ હાલી રિયો છે; વાસ્તે રાતે એને આપણે હવેલીના નાકા આગળ એનું ઘર છે ત્યાં મળવાનુ છે."

તેજુને આ સમાચારે ખાતરી કરાવી કે પૃથ્વીને માથે પ્રભુ જેવડો ધણી છે. તીરથ નાહ્યાનું પુણ્ય લાખો નરનારીઓ લેતાં હતાં અને બાપની સાથે તેજુ એક વાર જૂનાગઢ શહેરના દામા-કુંડને કાંઠે નીકળી હતી. પણ એ પાણીમાં સ્નાન કરવાના પૈસા બેસતા હતા. એ પૈસા બાપની પાસે નહોતા. રાતે ચોરીછૂપી નાહવા જતાં ગોરનું ટોળું ડંગોરા લઈને નીકળ્યું હતું. આજે તો છેક દૂર ગુજરાતના તીરથ ડાકોરજીના ચરણે