પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

પહોંચવાનો અણધાર્યો સમો મળ્યો. આ તો શુકન માન્યું. પોતે દુનિયા એટલી ઓછી દીઠી હતી કે કલ્પના અને અનુમાનો ગતિ કરી શક્યાં નહિ, પોતે કોઈ બીજી જ નવીનતાના દ્વાર પર ઊભી હતી. દ્વાર ઊઘડું ઊઘડું થતું હતું, અને એ ધીરે ધીરે જ પોતાની રહસ્ય-સૃષ્ટિનો ઉઘાડ કરે એમાં પણ ઉત્કંઠાનો, રહસ્ય-મોહિનીનો આનંદ હતો.

રાત પડી ત્યારે ચારે જણાં પેલા અગમ્ય ધર્મીને મળવાનાં સંકેતસ્થાને દાખલ થયાં.

"આ પંડ્યે જ!" કહીને બુઢ્ઢા વાઘરીએ હીંડોળે બેઠેલો આધેડ આદમી બતાવ્યો.એણે શરીર પર વૈશ્નવો પહેરે તેવી કસોવાળી લાંબી પાસાબંડી પહેરી હતી.એના પહોળા ઊંચા કપાળમાં અંગ્રેજી U (યુ) માર્કાનું લા્લચોળ તિલક હતું. એના બેઠકના ઓરડામાં ચારે દિવાલે અનેક દેવ-તીર્થોની દેવ-મૂર્તિઓની છબીઓ લટકતી હતી. તેજુને યાદ આવ્યું: આ માણસને આજે પ્રભાતે જેલના દરવાજા નજીક ઊભેલો હોયો હતો. છૂટેલા કેદીઓને - ખાસ કરીને ઓરતોને - એ પરોપકાર ભાવે પૂછતો હતો : 'તમારે ક્યાં જવું છે? તમારે કોઈ પૈસાટકાની મદદ જોવે છે? તમે રઝળી પડો એમ તો નથી ના? તમારે આશરા-સ્થાન જોતું હોય તો મૂઝાશો નહિ. હરિનો ટહેલવો તમારી સામે હાજર છે.'

તે વખતે તેણે ઊંધી વાળેલ પાલીના આકારની રેશમી પાઘડી માથા પર માંડી હતી ને અંગરખો પહેર્યો હતો. એની મુખમુદ્રા ભવ્ય હતી. તેજુની મનોવાણીમાં કહીએ તો એમ કહી શકાય કે, 'અહોહો, તાલકું કેવા ઝગારા મારે છે!"

"બેસો બેસો, ભાઈઓ બેસો! બેસ બેટા ! ગભરાઈશ નહિ. તું મારી દીકરી બરોબર છો !"

જાજમનો છેડો જરા અળગો કરીને બુઢ્ઢા વાઘરીએ સૌને જમીન પર બેસાર્યાં.