પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯
વસુંધરાના વહાલાં-દવલાં
 


"આ પોતે જ કે?" તિલકધારી અને તેજસ્વી તાલકાવાળા પુરુષે તેજબાના પોતાની બે આંખોના ચિપિયામાં ઝવેરી જેમ હીરાને નિહાળવા ઉપાડે તેમ ઉપાડી.

તેજુ નીચું મોં નાખી ગઈ.

"વાહ!" તિલકધારીએ અહોભાવ ઉચ્ચાર્યાઃ "દીકરી કેટલી લજ્જાળુ છે ને ! આમાં કોઈ ન્યાત-જાત જોવાની નથી. જોવાની ફક્ત લજ્જાઃ કૃષ્ણગોપાળે ગીતામાં પણ એ જ રહસ્ય ચર્ચ્યું છે. ભાગવતો એ જ વાતે કરી ભરેલાં છે."

વાઘરીઓ આમાંનું કશું સમજતાં નહોતાં તેથી તેમનો અહોભાવ આ શાસ્ત્રજ્ઞ પ્રત્યે વધતો ને વધતો જ ગયો.

"તારું નામ શું, બાળકી?"

"તેજબા."તેજુએ નખ ખોતરતાં ખોતરતાં ધીરેથી કહ્યું.

"સરસ નામ ! પણ ભગવદ્‍ ઈચ્છા એવી છે ને કે હું તો તને હવેથી 'ચંપા' કહીને બોલાવીશ. અમારી ગગીનું નામ પણ 'ચંપા' જ હતું. બોલ બેટા, તું ચંપા બનવા તૈયાર છો ને? તું અધમ ઘરમાં અવતરી છો એ વિચાર માત્ર ત્યજી દે. તારું ખોળિયું ઉદ્ધાર પામી શકે છે. ઈશ્વર પોતે જ અધમોદ્ધારણ કહેવાય છે ને? હું તો બેઠો બેઠો ઈશ્વરની ટહેલ કરું છું. આપણા અધમ વર્ણોને ખ્રિસ્તીઓ-મુસલમાનો વટલાવી વટલાવી લ ઈ જાય છે. આમાંથી બચવાની આ વાત છે. એમાં કાંઈ શરમાવા જેવું નથી. એમાં કોઈ પાપ નથી. કેમ બેટા ચંપા?"

ને તેજુએ તરત જ ઊંચે જોયું એટલે તિલકધારીએ હસીને કહ્યું: "ધન્ય છે ! નામનો પલટો તો તને મનમાં બેસી પણ ગયો!"

એટલું કહીને પછી એણે અંદરથી એક બાઈને બોલાવ્યાં: "અરે...ચંપાની બા!"

"આ આવી...!" કહેતીક એક આધેડ બાઈ અંદરના બાર પાસે દેખાઈ. એના ઉપર પણ ભક્તાણીના વેશ હતા. ગળામાં માળા હતી. આંખો ઉપર ચંદનની આડ હતી. એના એક હાથમાં માળા પણ હતી.