પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

એમ બોલતાં બોલતાં એ મોં ફેરવી ગઈ. નવી સાડીનો છેડો એની આંખો લૂછી રહ્યો હતો. સાડીમાંથી મીઠી ખ્શબો આવતી હતી.

"લાવ્ય બોન, લાવ્ય. એમાં શું? અમે કાંઈ ઘસાઈ જાયેં છયેં? આલી આવશું."

"કે'જોને, કે એની માદળડી કરીને ગગાની ડોકમાં નાખે!"

"કે'શું." વાઘરીઓએ છૂપા મિચકારા માર્યા.

"ને બીજું - "

"હા."

"મારે કૂબે ચકલ્યાંના પાણીની ઠીબ ટિંગાય છે ને, એમાં રોજ પાણી રેડતા રે'શો ? ચકલ્યાં રોજ ઈ એંધાણીએ ત્યાં આવીને તરસ્યાં પાછાં જાતાં હશે."

"કરશું, એમ કરશું."

"ને...બીજી .વાત કહું?"

"કહી દે ને બાઈ, હૈયામાં પાણા ભરી રાખીશ મા હવે."

"કો'ક દીય..." તેજુ બોલી શકતી નહોતી. "છોકરો ક્યાંય જડે તો મને...ખબર...બીડશો?"

"અરે બાઈ, હવે તું ગ ઈ ગુજરી સંભાર મા, ને રો મા. રૂડી જાતરા કરવાનું ટાણું મળ્યું છે. કાયાનું કલ્યાણ કરી આવશે તારો છોકરો આવશે તો અમે એને -"

"એને કૂબો ઉઘાડી દેજો, ને ચકલ્યાંની ઠીબનું એંધાણ ન ભૂલે એટલું કે'જો."

"કે'શું કે'શું, પણ હવે તું વલોપાત મૂકી દે."

"ના, ઈ તો મને મારો રુદો સાખ પૂરે છે કે મેં ચકલ્યાંને પાણી નીર્યું છે એટલે છોકરો જ્યાં હશે ત્યાં સુખમાં પડ્યો હશે. ને બીજું, મેં મૂઈએ એનું કાંઈ નામ જ નો'તું પાડ્યું, તે હવે ઈને લોક કયે નામે ઓળખતાં હશે? બાપડો નામ વગરનો ગ્યો !"

"બાઈ, મન કઠણ કર, ને હવે ઈ જૂના જન્મારાને તારે શું? તું