લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૨

ભાભીનો દિયર
 


‘બાપુ ! ઘોડાગાડી જાય !’

વાઘણિયાની શેરીમાંથી ટનનન… ટનનન કરતી શેખાણી શેઠની ઘોડાગાડી પસાર થતી કે તુરત એનો અવાજ સાંભળીને બટુકના કાન ચમકી ઊઠતા. ગાડી જોવા માટે એ બારીએ આવી ઊભતો અને પિતાને પણ ત્યાં આવવા કહેતો: ‘બાપુ, અહીં આવોની, ઘોડાગાડી જોવી હોય તો !’

ઓતમચંદ અણસમજુ પુત્રની આ આજ્ઞાનું પાલન કરતો અને બારીએ આવી ઊભતો.

‘જુવો આપણી ગાડી જાય !… જુવો આપણો ઘોડો જાય !… જુવો, આપણો વશરામ જાય !’ બટુક બારીમાંથી જોવાલાયક જે વસ્તુઓ બતાવતો એ ઓતમચંદે જોવી પડતી. મોં ઉ૫૨ જિજ્ઞાસુ કિશોર જેટલો જ પરિતોષ લાવીને એ કહેતો: ‘હા બેટા ! ગાડી જોઈ; ઘોડો જોયો; વશરામને પણ જોયો !’

પલટાયેલા જીવનરંગમાં છ-છ મહિનાથી ઓતમચંદ આ રીતે જીવી રહ્યો હતો. આ છ મહિના દરમિયાન એને ઘણું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમાંનું એક જ્ઞાન તો એ હતું કે પેઢીનું અણધાર્યું પતન દકુભાઈનું જ કારસ્તાન કામ કરી ગયું હતું. એ કારસ્તાનના પાકા પુરાવા પણ હવે તો સાંપડી રહ્યા હતા. દગાખોર દકુભાઈ સામે કાયદેસર પગલાં લેવાનું કેટલાક હિતૈષીઓ ઓતમચંદને સમજાવી રહ્યા હતા. સઘળી સાધનસંપત્તિ ગુમાવીને અકિંચન બની બેઠેલો ઓતમચંદ પોતાના સગા સાળા સામે અદાલતે ચડવાનું વિચારે તોપણ હવે તો એ શક્ય નહોતું,

૧૦૦
વેળા વેળાની છાંયડી