કેમ કે, દકુભાઈ દૂરંદેશી વાપરીને એકાએક બર્મા ભણી ઊપડી ગયા હતા.
બાયડી-છોકરાને મકનજીની દેખભાળ તળે ઈશ્વરિયામાં મૂકીને દકુભાઈ મોલમિનમાં એક ઓળખીતા વેપારીની ચાવલ મિલમાં રહી ગયા હતા. મોલમિન જતાં પહેલાં તેઓ એવી હવા ફેલાવતા ગયેલા કે બનેવીએ મને બાવો કરીને કાઢી મેલ્યો, તેથી રોટલો રળવા મોલમિન જેટલો આઘો પરદેશનો પલ્લો કરવો પડે છે… રફતે રફતે ઓતમચંદને સાચી વાત સમજાયેલી, પણ એ એણે મનમાં જ રાખેલી. દકુભાઈનાં કારસ્તાનોની લાડકોરને ગંધ સરખી ન જાય એની એણે તકેદારી રાખેલી. પોતાનો માનો જણ્યો ભાઈ ઊઠીને બહેનના ઘરમાં ધામો મારી ગયો છે એવી જાણ થતાં લાડકોરના વ્યથિત હૃદયને વધારે વ્યથા થશે, એમ લાગતાં ઓતમચંદ આ બાબતમાં સાવ મૂંગો જ રહેલો. તેથી જ તો, ભાઈભાભીની અવળચંડાઈ પ્રત્યેનો લાડકોરનો રોષ થોડા દિવસમાં જ શમી ગયેલો ને ? અને એ ક્ષણિક રોષ ઓસરી ગયા પછી લાડકોર પોતાનાં ભાઈભોજાઈ પ્રત્યે ફરી પાછી હેતાળ બની ગયેલી. વસુંધરા સમા એના વિશાળ અને વત્સલ હૃદયમાં નાનેરા ભાઈ પ્રત્યે પહેલાંના જેવું જ પ્રેમઝરણ વહેવા લાગેલું. તેથી જ તો દકુભાઈ પોતાની સલામતી ખાતર બ્રહ્મદેશ ભાગી ગયો ત્યારે લાડકોરે દુખિયા ભાઈની દયા ખાધેલી:
‘પરદેશ ન જાય તો બીજું શું કરે બિચારો ? ગમે ત્યાંથી શેર બાજરો તો પેદા કરવો જ પડે ને ? અમારી પેઢીમાં પડ્યો રહ્યો હોત તો આજે મૂળાને પાંદડે મઝા કરતો હોત. પણ અંજળપાણી એને અહીંથી ઈશ્વરિયે ઉપાડી ગયાં. બિચારો બચરવાળ માણસ… બાયડીછોકરાનાં પેટ તો ભરવાં પડે ને ? ચપટીમૂઠી કમાવા સારુ જનમભોમકા છોડીને કાળે પાણીએ ઠેઠ મોલમિન જાવું પડ્યું… ભગવાન એને સાજો નરવો રાખે !’