પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દકુભાઈને અંગે ઓતમચંદને ઇષ્ટ હતું એવું જ ઉદાર વલણ લાડકોરે ધીમે ધીમે અખત્યાર કર્યું તેથી ઓતમચંદને આનંદ થયો. વઢકણી ભોજાઈ સમરથ પ્રત્યે પણ લાડકોર ધીમે ધીમે સમભાવ કેળવતી હતી એ જોઈને ઓતમચંદને અદકો સંતોષ થયો. આ સાગરપેટા શાણા ગૃહસ્થની એકમાત્ર એષણા એ હતી કે દુનિયાદારીની દૃષ્ટિએ અકિંચન બનેલા આ ઘરમાંથી ખાનદાનીનો લોપ ન થાય. આર્થિક સંપત્તિ તો સંજોગવશાત્ આ ઘરનો ત્યાગ કરી ગઈ હતી; પણ હવે સ્નેહની સંપદા આ રાંક ઘરનું આંગણું છાંડી ન જાય એની ઓતમચંદ તકેદારી રાખતો હતો. કુલયોગિની લાડકોરના હૃદયનું સ્નેહઝરણું અસ્ખલિત રહી શક્યું એ જોઈને પતિએ પરમ તૃપ્તિ અનુભવી.

નાના ભાઈ નરોત્તમ ઉપર વરસતી આ દંપતીની અણખૂટ વાત્સલ્યધારા લગીરે વિચલિત ન બને એ માટે તેઓ સતત જાગ્રત રહ્યાં કરતાં… નરોત્તમ અંગે ઓતમચંદના હૃદયમાં એક ડંખ રહી ગયો હતો. ઘર તેમજ પેઢી હજી સુધી બંને ભાઈઓનાં મજિયારાં હતાં. નરોત્તમની સહિયારી મિલકત પોતે વેપારમાં ગુમાવી દીધી એ વાતનું દુઃખ ઓતમચંદને રહ્યા કરતું હતું. નાનાભાઈનો હિસ્સો આ રીતે હોમી દેવાનો મને શો અધિકાર હતો ? મારે કા૨ણે જ નિર્દોષ નરોત્તમ પણ આપત્તિમાં આવી પડ્યો, એવી કલ્પના મોટા ભાઈના હૃદયને કોરી ખાતી હતી.

નરોત્તમનું પોતાનું વલણ વળી જુદી જ જાતનું હતું. એને મનમાં થયા કરતું હતું કે મોટા ભાઈની પડતી દશામાં હું એમના પર ભારરૂપ થઈ રહ્યો છું. પેઢીનો સંકેલો કર્યા પછી ઓતમચંદે લાજની લગીરેય દરકાર કર્યા વિના વાઘણિયાની બજાર વચ્ચે જ

૧૦૨
વેળા વેળાની છાંયડી