નાનીસરખી હાટડી નાખી હતી. એ કહેતો, ‘વાણિયાનો દીકરો’ તો આદિકાળથી તેલ-પળી કરતો જ આવ્યો છે, એમાં વળી શરમ શેની ?’ પણ નરોત્તમને લાગ્યા કરતું હતું કે આ નાનકડી હાટડીમાંથી ભાગ્યે જ બે ભાઈઓનો રોટલો નીકળી શકશે. તેથી, મોટા ભાઈ ઉપરથી પોતાનો બોજો દૂર કરવા એ શહેરમાં જઈને સ્વતંત્ર રીતે કમાવા માગતો હતો, અને એ રીતે એ ઓતમચંદને ટેકારૂપ થવા ઇચ્છતો હતો.
પણ નરોત્તમ જ્યારે જ્યારે પરગામ જવાનો પ્રસ્તાવ મૂકતો ત્યારે ત્યારે ઓતમચંદ એક જ જવાબ આપતો:
‘ના રે ભાઈ, આપણે ઘરની છોડીને આઘે ક્યાંય જાવું નથી. ભલું આપણું બાપદાદાનું ગામ ને ભલી આપણી ખોબા જેવડી હાટડી… આ હાટડીમાંથી ભગવાન એક રોટલો આપશે તોય આપણે બે ભાઈ અરધો અરધો મીઠો કરીને ખાઈશું. પણ તને પારકા પરદેશમાં મોકલતાં મારું મન નથી માનતું.’
લાડકોર પણ નાના દિયરને બહારગામ જતો રોકતી:
‘ના… રે… બાપુ, મારી આંખ આગળથી આઘા થાવ એ મને ન ગમે. આંહીં તમને કોઈ વાતનું દુઃખ છે ? આજે આપણો સમો નબળો આવ્યો છે એથી શું થઈ ગયું ? ઘરના માણસને બહાર કાઢી મુકાતા હશે ! નથી જોઈતી અમારે તમારી શહેરની કમાણી… પૈસો આપણે ક્યાં નથી જોયો ? ને નસીબમાં હશે તો વળી કાલ સવારે ફરી જોવા પામશું. પણ તમે ઘર છોડીને જાવ તો ગામ શું વાત કરે એ ખબર છે ? કોઈ કહેશે કે ભાઈભોજાઈને એક દિયે૨નું ભાણું ભારે પડ્યું. ના… રે… બાઈ, મારે તમને બહા૨ગામ નથી જાવા દેવા. મારી આંખનાં બે રતન: એક બટુક ને બીજા તમે. તમને મેં કોઈ દિવસ દિયર નથી ગણ્યા, સગા દીકરા જ ગણીને ઉછેર્યા છે. ને હવે તમે મારી નજ૨થી આઘા થાવ તો મને કેવું લાગે?… ને