લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામમાં માણસ પણ કેવું માને ? કહેશે કે મોટે ખોરડે ભૂખ આવી ને ભોજાઈને એક દિય૨ના રોટલા ભારે પડ્યા એટલે એને ઘ૨ બહાર કાઢ્યો. ના…રે… બાઈ, આવાં મહેણાં મારે નથી સાંભળવાં… હું તમને વાઘણિયાની સીમ નહીં વળોટવા દઉં.’

નરોત્તમ બહાર જવા માટે જેમ જેમ વધારે આગ્રહ કરતો હતો તેમ ભાઈભાભીનો એ સામે વિરોધ પણ વધતો જતો હતો. એ જાણતો હતો કે આ વિરોધ પાછળ ભાઈભાભીનો મારા પ્રત્યેનો અનન્ય પ્રેમ જ કામ કરી રહ્યો છે. પણ નરોત્તમની વિચક્ષણ આંખો રોજ ઊઠીને ઘ૨માં જે સૂચક દૃશ્યો જોયા કરતી હતી એને પરિણામે એ અકળામણ અનુભવી રહ્યો હતો.

ઓતમચંદ જે ભાડાના ઘરમાં રહેવા ગયેલો એ શેરીમાં થઈને શેખાણી શેઠની ઘોડાગાડી રોજ સવારસાંજ પસાર થતી. ટનનન ટનનન અવાજ થાય કે તરત બટુક બારીએ જઈ ઊભતો અને પછી ગાડીમાં બેસવાનું અને ઘોડા પર સવારી કરવાનું વેન લેતો. આવે પ્રસંગે ઓતમચંદ તેમજ લાડકોરનાં હૃદય બહુ કોચવાતાં. તેઓ ઘણુંય ઇચ્છતા કે એક વેળાની આપણી માલિકીની ગાડી હવે આપણે આંગણે થઈને પસાર ન થાય તો સારું. પણ શેખાણી શેઠને ફરવા જવા માટે આ શેરીમાંથી નીકળ્યા વિના છૂટકો જ નહોતો.

આવી રીતે એક દિવસ ઘોડાગાડીના ઘૂઘરા સંભળાયા અને બટુકના કાન ચમક્યા. તુરત એ આદત મુજબ બારીએ જઈ ઊભો ને બૂમો પાડવા લાગ્યો: ‘વશરામ ! વશરામ !’

વશરામે બટુકનો પરિચિત અવાજ સાંભળ્યો ને સામેથી અવાજ કર્યો: ‘કેમ છો, બટુકભાઈ ?’

બટુકે વળતી માગણી કરી: ‘મને ઘોડા ઉપર બેસાડ !’

પણ ત્યાં તો ઝડપભેર જતી ગાડી શેરીમાંથી પસાર થઈ ગઈ હતી.

૧૦૪
વેળા વેળાની છાંયડી