લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને બટુકની રડા૨ડ શરૂ થઈ ગઈ હતી: ‘મને ઘોડા ઉ૫૨ બેસાડો ! બાપુ, મને ઘોડા ઉપર બેસાડો !’

ઓતમચંદ જોઈ રહ્યો. લાડકોર જોઈ રહી, નરોત્તમ પણ લાચાર બનીને જોઈ રહ્યો.

બટુકનું બુમરાણ વધતું ગયું. પણ આવા નાજુક પ્રશ્ન અંગે એને શી રીતે સમજાવવો એ કોઈને સૂઝતું નહોતું. સૌ પોતપોતાની રીતે મનમાં આ પ્રશ્નની સૂચક ગંભીરતા વિચારી રહ્યાં હતાં, પણ જીભ ૫૨ એક પણ હરફ આવી શકતો નહોતો, સૌ સમજતાં હતાં કે બટુકનો આ કજિયો બાલિશ છે, પણ એમ બોલવાની કોઈનામાં હિંમત નહોતી.

અને ગાડીના વેન ઉ૫૨ બટુક કજિયે ચડ્યો અને માબાપના જીવ દુભાવા લાગ્યા. પુત્રને કયા શબ્દોમાં સાંત્વન આપવું એ એમને સમજાતું નહોતું. ‘હમણાં વશરામને બોલાવીને તેને ઘોડા ઉપર બેસાડશં’ એમ કહેવું ? ના, ના, એ તો હીણપતભર્યું હતું. ‘આપણે પોતે જ નવી ઘોડાગાડી વસાવશે.’ એવો સધિયારો આપવો ? ના, ના, એ પણ એક આત્મછલના જ ગણાય.

બટુકની આંખમાંથી દડદડ આંસુ વહેતાં હતાં અને માબાપ દીન વદને એ જોઈ રહ્યાં. નરોત્તમ્ અકળામણ્ અનુભવી રહ્યો હતો.

આખરે ઓતમચંદને આમાંથી રસ્તો સૂઝ્યો. એ ગંભીર ચહેરે ઊભો થયો, બટુક ચાબુક તરીકે જે ટચૂકડી સોટી વાપરતો એ શોધી કાઢીને એણે પુત્રના હાથમાં પકડાવી.

ઓતમચંદ શું ક૨વા માગે છે એ કોઈને સમજાયું નહીં. લાડકો૨ અને નરોત્તમ તો કુતૂહલભરી નજરે મૂંગા મૂંગાં જોઈ રહ્યાં.

ઓતમચંદ તો અજબ આસાનીથી નીચો નમીને ચા૨ ૫ગે ઘોડો થઈ ગયો અને પોશ પોશ આંસુએ રડતા બટુકને પોતાની પીઠ ૫૨ બેસાડી દીધો.

ભાભીનો દિયર
૧૦૫