પાલવે, આમાંથી કોઈક માર્ગ કાઢ્ય જ છૂટકો છે… તીરે ઊભીને તમાશો જોયા ક૨વાથી તો હું મોટા ભાઈ પ્રત્યેની મારી ફરજ બજવણીમાં બેવફા બની રહ્યો છું…
અને આખરે નરોત્તમને અંધકાર વચ્ચે એક પ્રકાશકિરણ લાધ્યું. રાજકોટમાં એક દૂરના સગા રહેતા હતા. બે પૈસે સુખી પણ હતા. એમની લાગવગ પણ સારી હતી. રાજકોટ જેવું તખત શહેર છે, તો હું સ્વતંત્ર રીતે કાંઈક કમાતો થાઉં, ને મોટા ભાઈને મદદરૂપ થાઉં… અહીંના જીવનસંગ્રામમાં મૂંગા સાક્ષી તરીકે જીવવામાં તો હું ગુનેગાર બની રહ્યો છું, મારે અહીંથી જવું જોઈએ, જવું જ જોઈએ…
❋
નરોત્તમના આ નિર્ધારને વધારે મક્કમ બનાવે એવો એક સૂચક બનાવ પણ એ જ અરસામાં બની ગયો.
આમ તો ઘ૨માં એવો શિરસ્તો હતો કે સાંજે વાળુ કરવા માટે દુકાનેથી પહેલવહેલો નરોત્તમ આવે. નરોત્તમ જમીને પાછો દુકાને જાય પછી ઓતમચંદ આવે. પતિ પણ જમી રહે પછી જ લાડકોર જમવા બેસતી. પણ એક દિવસ આ ક્રમ જ ઊલટાઈ ગયો. નરોત્તમ બીજા કોઈક કામમાં રોકાયો હશે તેથી એણે કહ્યું કે, 'મોટા ભાઈ, તમે પહેલાં વાળુ કરી આવો, હું પછી જઈશ.’ એ અનુસાર ઓતમચંદ આવીને જમી ગયા. એ પછી મોડે મોડે કામમાંથી પ૨વા૨ીને નરોત્તમ જમવા આવ્યો ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. રસોડામાં લાડકોર ફાનસને અજવાળે દિયરના આગમનની રાહ જોતી બેઠી હતી.
‘ભાભી, મેં તમને કેટલી વાર કીધું કે મારે મોડું થાય તો તમારે જમી લેવું, ને મારે સારુ થાળી ઢાંકી મૂકવી ?’ પાણિયારે હાથમોં ધોતાં ધોતાં નરોત્તમ બોલ્યો.