લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રત્યય વાચકને ઊપજી રહે છે. દરેક પાત્ર તે મુકાયું છે તેવા પ્રસંગમાં બસ આ રીતે જ વિચારે, બોલે અને વર્તે એવી પ્રતીતિ વાચકોને થાય છે; અને કેવળ પાત્રો જ નહીં, અનામી લોકસમૂહ પણ આવી પ્રતીતિજનક રીતે જ વર્તતો હોય છે અને દરેક પાત્રની બોલીની શુદ્ધ કાઠિયાવાડી શબ્દરચના જ નહીં, પણ એ બોલીનો વળ-tone and texture—એ યથાર્થતાની પ્રતીતિને સંપૂર્ણ બનાવી રહે છે.

પાત્રાલેખન શબ્દ મેં વાપર્યો છે; પરંતુ શ્રી મડિયાએ અહીં રજૂ કરેલાં પાત્રો વિશે તે યોગ્ય રીતે વાપરી શકાય કે કેમ એ શંકાયુક્ત છે. ‘પાત્રાલેખન’ શબ્દમાં લેખકની સર્જક અહંતાનો ભાવ कर्तु अकर्तु अन्यथाकर्तु समर्थ એવો ઈશ્વરભાવ રહેલો છે. શ્રી મુનશીનાં અને બીજા કેટલાક સમર્થ લેખકોનાં પાત્રાલેખનમાં આવો ઈશ્વરભાવ અંતર્ગત રહેલો દેખાય છે. પાત્રો અંગેની શ્રી મડિયાની સર્જકપ્રતિભા આથી જુદા પ્રકારની દેખાય છે. પ્રકૃતિને ચાલના આપી તેના સ્વભાવગત નિયમાનુસાર રચાતી અને કર્માનુસાર શુભાશુભ યોગો પામતી સૃષ્ટિ વિશે બ્રહ્મા જેમ નિરપેક્ષ હોય છે તેવું માનસ લેખકનું જણાય છે. ચોક્કસ પાત્રોનો સંભવ સ્વીકારી લીધા પછી સ્વભાવનુસાર રચાતી તેમની લીલાના લેખક સમતા અને સહાનુભૂતિપૂર્ણ સાક્ષી બની રહે છે. બધાં જ નાનાંમોટાં પાત્રો પ્રત્યે તેમની આત્મીયતા હોય છે અને પોતાના કથનકૌશલ્યથી તેઓ એ આત્મીયતા વાચકોમાં પણ જગાવી શકે છે. આ વાર્તાના પ્રસંગો અને પાત્રો વિશે વાસ્તવિકતા અને પરિચિતતાનો જે અધ્યાસ હજારો વાચકોને ઊપજ્યો છે, તેનું રહસ્ય આ છે.

અને કેવી મનમોહક એ સૃષ્ટિ છે ! ઓતમચંદ, કીલો કાંગસીવાળો, નરોત્તમ, એભલ આયર, મંચેરશા, ચંપા, લાડકોર, હીરી આહીરાણી, મીઠીબાઈ સ્વામી વગેરે શ્રેયાર્થી માનવતાની જીવંત જ્યોત જેવાં પાત્રો: કપૂરશેઠ, વશરામ ગાડીવાળો, બટુક, સંતોકબા, જસી, સમરથ વગેરે સરેરાશ માનવતાના નમૂના જેવાં પાત્રો; અને મકનજી મુનીમ, મનસુખલાલ, દકુભાઈ વગેરે સ્વભાવદુષ્ટ પાત્રો; એ બધાં જ પોતપોતાની જીવનલીલા અહીં વ્યક્ત કરે છે. તેમનાં ચરિત્રો

૧૦