લાડકોર ઊભી થઈ અને બહાર પાણિયારા તરફ ગઈ.
હવે નરોત્તમનું કુતૂહલ હાથ ન રહ્યું. હળવેકથી એણે ચૂલા નજીક જઈને હાંડલા ઉપરથી ઢાંકણી ઉઘાડી જોઈ તો પાટિયામાં ખીચડીને બદલે સાવ ખાલીખમ્મ જણાયું. લાડકોરે લૂઈ-પીને બધું જ પીરસી દીધું હતું.
નરોત્તમ મૂંગો મૂંગો જમવા લાગ્યો, પણ હવે ભોજનમાંથી સ્વાદ ઊડી ગયો હોય એમ લાગ્યું.
થાળીની બાજુમાં પાણીનો કળશ મૂકીને લાડકોર ફરી પાછા ચૂલા નજીક જઈ બેઠી. દિયરને સાવ ધીમે ધીમે કોળિયા ભરતો જોઈને એને મશ્કરી સૂઝી:
‘હવે તમને મારા હાથનું રાંધણું બહુ ભાવતું લાગતું નથી.’
છતાં નરોત્તમ મૂંગો જ રહ્યો તેથી લાડકોરે મશ્કરી આગળ વધારી:
‘હવે મારા હાથનું કાચુંપાકું રાંધણું ક્યાંથી ભાવે ? હવે તો કાલ સવારે મારી દેરાણી આવશે… પછી તમને બત્રી ભાતનાં ભોજન છત્રી ભાતનાં શાક વઘારીને જમાડશે… પછી તો હુંય આ ચૂલાનું ભઠિયારું નહીં કરું, સંધુય ચંપાને જ સોંપી દઈશ.’
ચંપાને જ સોંપી દઈશ !
‘દેરાણી’ અને ‘ચંપા’ એવા બબ્બે શબ્દો ઉચ્ચારાઈ ગયા છતાં નરોત્તમના મોં ઉપર જરાય મસ્કરાહટ ન આવી. તેથી લાડકોરને બહુ નવાઈ લાગી. પણ એને ક્યાં ખબર હતી કે આજે દિયરને હસવાના હોશ નહોતા રહ્યા !
જમવાનું જેમતેમ પતાવી, ચળુ કરીને નરોત્તમ મંગો મૂંગો જ દુકાને ચાલ્યો ગયો.
રાતે પણ એને ઊંઘ ન આવી. જમતી વેળા જે જોવા મળ્યું એથી નરોત્તમનું મગજ ભમી ગયું હતું. કેટકેટલા દિવસથી મારે કારણે ભૂખ્યાં રહેતાં હશે ! ખુદ મોટા ભાઈને પણ ભલા જીવને