આ વાતની જાણ નથી લાગતી… ભાભી તો પેટે પાટા બાંધીને અમારાં પેટ ભરે છે ! ના, ના, હવે હું એમના પર બોજારૂપ નહીં જ થાઉં… હું ચાલ્યો જઈશ, ગમે ત્યાં ચાલ્યો જઈશ… મારે અહીંથી જવું જોઈએ… જવું જ જોઈએ…
❋
રાત આખી નરોત્તમે ઉદ્વિગ્ન ચિત્તે જે વાક્યનું રટણ કર્યું હતું એ સવાર પડતાં જ એણે ઓતમચંદ સમક્ષ ઉચ્ચારી નાખ્યું:
‘મોટા ભાઈ, મારે જવું જ જોઈએ.’
‘પણ તું અજાણ્યા ગામમાં ક્યાં જઈશ ?’
‘ચોખૂટ ધરતી પડી છે. ગમે ત્યાંથી પાટુ મારીને પૈસો પેદા કરીશ.’
‘પણ તેં કોઈ દિવસ ઉંબરા બહાર પગ મૂક્યો નથી. અજાણ્યો ક્યાં જઈને ઊભો રહીશ ?’
‘રાજકોટમાં આપણા આઘેરા સગા રહે છે ને — દામોદરમાસા —? એને કહીશ તો ક્યાંક નોકરીબોકરી અપાવશે.’
‘ભાઈ, મામામાસા કહેવાના, ને હોય ત્યાં લગી ખાવાના.’ ઓતમચંદે વહેવારની વાણી ઉચ્ચારી. ‘માસા સાથે સગપણ હતું તે દી સોના જેવું હતું. પણ હવે આપણો માઠો દી આવ્યો છે એટલે કદાચ એને સગપણ યાદ પણ ન રહ્યું હોય—’
ઓતમચંદની સાથે લાડકોર પણ નરોત્તમને જતો અટકાવી રહી. પણ આ વખતે વખતે નરોત્તમનો નિર્ધાર મક્કમ હતો. પૂરા ત્રણ-ત્રણ દિવસની લમણાઝીંકને અંતે નરોત્તમ પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવી શક્યો.
‘ભાઇભાભીને અત્યંત અનિચ્છાએ પણ હા ભણવી પડી. પણ ત્યાં તો બટુકે વાંધો લીધો:
‘કાકાને નહીં જાવા દઉં.’
પણ બટુકને રીઝવવાનું સહેલું હતું. નરોત્તમે એને ઘોડાગાડીની