લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૩

કીલો કાંગસીવાળો
 


રાજકોટના રાજમાર્ગ ઉપર નરોત્તમ ટહેલતો હતો.

વાઘણિયેથી નીકળતી વેળા ઓતમચંદે જે કેટલીક શાણી સલાહસૂચના આપેલી એમાંની એક એ હતી કે દૂરની સગાઈના દામોદર માસાનો દાણો દાબી જોવો ખરો, પણ એમને સામે વળગતા જવું નહીં. મોટા ભાઈની આ સુચના નરોત્તમે બરોબર અમલમાં મૂકેલી–કહો કે વધારે પડતી અમલમાં મૂકી દીધેલી. સ્વમાન સાચવવા એણે કોઈ સગાંસ્નેહીને ત્યાં જવાને બદલે શરૂઆતમાં સ્ટેશન નજીકની ધરમશાળામાં જ ધામા નાખેલા.

શહેરના સરિયામ રસ્તા પર ઊભો ઊભો નરોત્તમ પસાર થતી માનવ-વણજારને અવલોકી રહ્યો હતો. એ દિવસોમાં પશ્ચિમની સંસ્કૃતિની પ્રથમ લહેરો આવવા લાગેલી છતાં સોરઠી સંસ્કૃતિની વત હજી સુધી અકબંધ જળવાઈ રહેલી. અલબત્ત, રાજકોટમાં પણ પોલિટિકલ એજન્ટની કોઠી પડી ચૂકી હતી તેથી થોડા ગોરા સાહેબલોક ને થોડા દેશી ‘જાંગલાઓ’ નજરે પડતા ખરા; છતાં એકંદરે આમજનતામાંથી અસલિયતની અસ્મિતા હજી ઓસરી નહોતી. વાઘણિયામાં ભાગ્યે જ જોવા મળતો, કાઠિયાવાડના વિવિધ પ્રદેશોનો પચરંગી પહેરવેશ આ નગરના પહોળા રાજમાર્ગો ઉપર એ આશ્ચર્યમુગ્ધ નજરે અવલોકી રહ્યો.

જુદાં જુદાં રજવાડાંના ભાયાતો ને મૂળ ગરાસદારો, કામદારો ને કારભારીઓ, ખવાસો ને ખાસદારો, વેપારીઓ ને વાણોતરોનું અહીં એકસામટું દર્શન થઈ શકતું હતું. વિવિધરંગી ફેંટા ને ફીંડલ, સાફા

કીલો કાંગસીવાળો
૧૧૩