લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ને સરપા. આંટીવાળી પાઘડી અને ચકરી પાઘડી, કસવાળાં કેડિયા ને બાલાબંધી અંગરખાં, ચૂડીદાર ચોળણી ને તસતસતી સુરવાળ, અસલી સૌરાષ્ટ્રના સઘળા વેશ પરિધાનનું જાણે કે આ શહેરમાં પ્રદર્શન ભરાયું હતું.

નરોત્તમને વાઘણિયું યાદ આવતાં મોટા ભાઈ ઉપર પહોંચની પત્ર લખવાનું યાદ આવ્યું. કોઈને પૂછીને એણે પોસ્ટ ઓફિસ શોધ કાઢી. ‘મૂંડિયા છાપ’ કાવડિયું ખિસ્સામાંથી કાઢીને એણે રાજા સોતમ ઍડ્‌વર્ડની છાપવાળું એક પૈસાનું પોસ્ટકાર્ડ ખરીદ કર્યું અને મોટા ભાઈ ઉપર પહોંચનો પત્ર લખી નાખ્યો.

નરોત્તમનો ખ્યાલ એવો હતો કે શક્ય હોય ત્યાં સુધી સગાંસ્નેહીઓનો ઉપકાર માથે ન ચડવા દેવો. તેથી જ તો દામોદરમાસાને ઘેર જવાનું એણે તરત પૂરતું માંડી વાળ્યું. નોકરી કે કામ તલાશ પણ નિરાંતે કરીશ, એવું વિચારીને એ તો તખત શહેરની જીવનલીલા અવલોકવામાં જ ગુલતાન થઈ ગયો.

એક અરધો દિવસ તો નરોત્તમે જુદાં જુદાં રજવાડાંના આલા ઉતારાની ઇમારતો જોવામાં જ ગાળ્યો. આવા ભવ્ય રાજમહાલયો એણે જીવતરમાં કદી જોયા નહોતા. નરોત્તમે રાજકુમાર કૉલેજ જોઈ… જુદી જુદી રિયાસતોના રાજકુંવર જોયા… અને ‘બેટ-બૉલની રમત રમાતી જોઈ ત્યારે તો એના આશ્ચર્યની અવધિ આવી રહી.

આ બધું કુતૂહલ શમ્યા પછી જ નરોત્તમે દામોદરમાસાને જોવાનું વિચાર્યું. એ માટે પણ સીધેસીધો માસાને ઘેર ન ગયો. સરનામું વાંચીને શેરીને નાકે જ ઊભો રહ્યો. માસા દેવદર્શને આવતાંજતાં મળી જ જશે એવી એને શ્રદ્ધા હતી. અને એ આશા ફળી પણ ખરી. વયોવૃદ્ધ માસા આંખ પર હાથની છાજલી મુકીને નાકું વળોટતા હતા ત્યાં જ નરોત્તમે એમને આંતર્યા:

૧૧૪
વેળા વેળાની છાંયડી