પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કીલો નાનમ ન સમજતો.

કીલાને સાંપડેલું ‘કાંગસીવાળા’નું બિરુદ તો બીજી જ એક પ્રવૃત્તિનું પરિણામ હતું. એ યુગમાં કાઠિયાવાડમાં કેશગુંફન માટે ખડબચડા ખંપારાનો જ ઉપયોગ થતો. પુરુષવર્ગને તો બહુ વાળ ઓળવાપણું હતું જ નહીં–કોઈ કોઈ નવાં છોકરડાં નાનકડી બાબરી રાખતાં શીખ્યાં હતાં એટલું જ. સ્ત્રીવર્ગના કેશસંમાર્જન માટે વાઘરણો ઘેર ઘેર ફરીને ટાઢા રોટલાના બદલામાં હાથબનાવટના ખંપારા ને ખરસટ કાંસકા વેચી જતી. કોમલાંગીઓ માટેની કલામય કાંગસીઓ મુંબઈ જેવાં મોટાં શહેરો સિવાય બીજે મળતી નહીં. કીલાએ પહેલવહેલી મુંબઈગરા મહેમાનો પાસે આ નાજુક કાંગસીઓ જોયેલી અને ત્યારથી જ એની વ્યવહારદક્ષ અને વ્યાપારદક્ષ બુદ્ધિને સમજાઈ ચૂકેલું કે કાંગસીના વેપારમાં કસ છે. એણે ઉછીઉધાર કરીને થોડીક મૂડીનો જોગ કર્યો ને મુંબઈના એક ઓળખીતા વેપારી મારફત કાંગસીની પહેલવહેલી આયાત કરી. પરિણામે રાજકોટમાં ને કાઠિયાવાડભરમાં કાંગસીનો પહેલવહેલો પ્રચાર કરવાનું માન કીલો ખાટી ગયો.

સ્વાશ્રયી કીલાએ પોતાના જીવનસંગ્રામ માટે અર્વાચીન કિસાન-મજદૂર સંઘોને શોભે એવું સૂત્ર યોજી કાઢેલું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’ તરેહ તરેહના હુન્નરો ઉપર આ માણસ હાથ અજમાવી ચૂક્યો હતો અને પરિણામે જીવન ગુજારવામાં એને કશી હરકત આવી નહોતી. એવી જ રીતે, નવો નવો કાંગસીનો હુન્નર હાથ આવતાં કીલાને પોતાની પ્રતિભા બતાવી આપવા માટે મોકળું મેદાન મળી રહ્યું: ‘લ્યો કોઈ વિલાયતી કાંગસી…’ કરીને કીલાએ શહેરની શેરીએ શેરીએ સાદ દેવા માંડ્યો. કુનેહબાજ કીલાની જીભ પણ એવી મીઠી કે ગૃહિણીઓના ગ્રાહકવર્ગમાં એ ઘડીકમાં ઘરોબો કેળવી લેતો. આંખની પણ ઓળખાણ વિના એ કોઈને કાકીમા કહીને

૧૧૮
વેળા વેળાની છાંયડી