‘કાં જુવાન, કેમ પાછો હાલ્યો ?’
નરોત્તમ નિરુત્તર રહ્યો એટલે કીલાએ કહ્યું: ‘લઈ જા, લઈ જા, આવી ગાડી ગામ આખામાં નહીં જડે. અસલ મહુવાનો માલ છે—’
આટલો આગ્રહ છતાં નરોત્તમ પીગળતો ન લાગ્યો, ત્યારે કીલાએ પૂછ્યું: ‘તારે શું આપવું છે ?’
હજી નરોત્તમ મૂંગો જ રહ્યો ત્યારે કીલાએ જરા ઉગ્ર અવાજે પૂછ્યું:
‘લેવી છે કે પછી અમથી ઉડામણી જ કરવી છે ?’
'લેવી છે, લેવી છે.’ નરોત્તમે કહ્યું.
‘આનો ઓછો આપજે, ઉપાડ… મારી રેંકડીમાં જગ્યા થાય.’
પણ નરોત્તમે ગાડી ઉપાડી નહીં ને કીલાની રેંકડીમાં જગ્યા કરી નહીં. શરમાતા શરમાતો એ કશું બોલ્યા વિના ચાલ્યો ગયો.
નરોત્તમને સ્થાને બીજો કોઈ ગ્રાહક હોત તો કીલાએ એના સ્વભાવ પ્રમાણે સંભળાવી દીધી હોત: ‘ગૂંજામાં ફદિયાં લઈને આવ્યો છે કે પછી હાલી જ નીકળ્યો છે ભાતું બાંધ્યા વિના ?’ પણ માણસપા૨ખુ કીલાએ પારખી લીધેલું કે નરોત્તમ કોઈક જુદી જ માટીનો જુવાન છે, તેથી એ કશું બોલ્યો નહીં પણ નરોત્તમની પીઠ પાછળ કુતૂહલભરી નજરે તાકી રહ્યો.
બીજે દિવસે રોંઢા ટાણે કીલો તો એના નિયમ મુજબ ઝાડને છાંયડે રેંકડી ઊભી રાખીને બાજુમાં બેઠો બેઠો બીડીઓ વાળતો હતો, અને દાવલશા ફકીર તથા ભગલા ગાંડા સાથે ગામગપાટા હાંકતો હતો.
રમકડાંમાંથી થતી આવકમાં પૂર્તિ કરવા કીલાએ નવરાશના સમયમાં બીડીઓ વાળવાનો આ ઉદ્યમ શોધી કાઢ્યો હતો. આ ઉદ્યમ પાછળ પણ એનું જીવનસૂત્ર હતું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’ અત્યારે પણ એ તૈયાર થયેલી બીડીઓ પાનવાળાને પહોંચાડવા જવા માટે પચીસ પચીસની ઝૂડીઓ વાળી રહ્યો હતો ત્યાં જ ધીમે પગલે નરોત્તમ આવી પહોંચ્યો.