પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાના જીવનની કથની કહેવા માંડી. નરોત્તમની જીવનઘટનાઓ સાથે પોતાના જીવનના પ્રસંગોની સરખામણી કરવા માંડી. નરોત્તમને લાગ્યું કે કીલો પણ મારા જેવો જ સમદુખિયો જીવ છે. પરિણામે, બંને જણા વધારે આત્મીયતા અનુભવી રહ્યા.

કીલો આ ભલાભોળા યુવાનની નિર્વ્યાજ નિખાલસતા પર એટલો તો પ્રસન્ન થઈ ગયો કે પોતાની પ્રસન્નતાના પ્રતીક તરીકે એણે પેલી ટચૂકડી ઘોડાગાડી નરોત્તમને ભેટ આપી દીધી.

નરોત્તમે આવું મોંઘું રમકડું મફત સ્વીકારવામાં જરા આનાકાની કરી ત્યારે કીલાએ કહ્યું: ‘આપણે તો એક જ ગોતરિયા નીકળ્યા એટલે હવે કુટુંબી કહેવાઈએ. બટુક જેમ તારો ભત્રીજો થાય, એમ હવે મારોય ભત્રીજો જ ગણાય. એને આપવાના રમકડાનાં ફદિયાં મારાથી ન લેવાય.’

પછી તો આ બંને કુટુંબીઓએ સાંજ સુધી વાતોના સેલારા માર્યા, નરોત્તમે વાત વાતમાં જણાવ્યું કે મારે આ અજાણ્યા ગામમાં રહેવા માટે જગ્યા શોધવાની મુશ્કેલી છે, ત્યારે કીલાએ કહ્યું: ‘ઓય ધાડેના ! અટાણ લગી બોલ્યો શું કામ નહીં ? આ કીલાની ઓરડી અફલાતૂન છે ! આવી જા રહેવા, અટાણથી જ !’

આ આમંત્રણથી નરોત્તમ રાજી થઈ ગયો.

કીલાએ હસતાં હસતાં શરત મૂકી: ‘આપણી ઓરડી ઉપર હથુકાં કરવાં પડશે હોં ! હા, કીલાના વાંઢાવિલાસમાં કોઈ રાંધનારી નથી ને આ અવસ્થાએ હવે કોઈ રોટલા ઘડનારી આવે એમ પણ નથી.’

‘મને રાંધતાં તો નથી આવડતું, પણ તમારી પાસેથી શીખીશ, ને આવડશે એવી મહેનત કરીશ.’ નરોત્તમે કહ્યું.

કીલાએ એ શરત સ્વીકારી અને નરોત્તમ એની ઓરડીએ રહેવા ગયો.

ઓરડીને ચારે ખૂણે ફેલાયેલી ભયંકર અરાજકતા જોઈને નરોત્તમને

કીલો કાંગસીવાળો
૧૨૩