પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આરંભમાં તો આઘાત લાગી ગયો. અવિવાહિત માણસના જીવનની અવ્યવસ્થા આ ઓરડીમાં મૂર્તિમંત દેખાતી હતી. એક દિવસ સાફસૂફી કરતાં કરતાં નરોત્તમે રોટલા ઘડી રહેલા કીલાને ટકોર કરી:

‘કીલાભાઈ, રોટલા ઘડનારી લઈ આવો તો કેવું સારું ! આ બધી પંચાત મટી જાય.’

‘ના, ભાઈ, ના, કીલાને એવી પળોજણ પોસાય નહીં. એના કરતાં આ હથુકાં સાત થોકે સારાં. લગન તો લાકડાના લાડુ છે, ભાઈ નરોત્તમ !– ખાઈને પછી પણ પસ્તાવાનું જ હોય તો ન ખાઈને જ પસ્તાવો કરવો શું ખોટો ? તને પણ વીસનહોરી વળગશે પછી ખબર પડશે, ભાઈ નરોત્તમ !’

કીલાની ઓરડીમાં થાળે પડ્યા પછી નરોત્તમે વાઘણિયે મોટાભાઈ ઉપર વિગતવાર કાગળ લખી નાખ્યો અને આ ઓરડીનું પાકું સરનામું પણ લખી જણાવ્યું. કીલા સાથે વાત વાતમાં જ નીકળી પડેલા દૂર દૂરના સગપણની વિગતો જણાવીને મોટા ભાઈને સધિયારો આપ્યો કે કીલાભાઈની દેખરેખ તળે હું સહીસલામત છું.

તુરત કીલાએ વાઘણિયાનો એક સથવારો શોધી કાઢ્યો. લગ્નઅવસ૨નું મોટું હટાણું ક૨વા આવેલા એક પટેલની સાથે નરોત્તમે પેલી ટચૂકડી ઘોડાગાડી મોટા ભાઈ ઉપર મોકલી આપી. સાથે મોઢાનાં ક્ષેમકુશળ પણ કહેવરાવ્યાં.

હવે નરોત્તમ માટે કશોક રોજગાર શોધવાનો પ્રશ્ન ઊભો થયો. કીલાએ એને બાંયધરી આપી: ‘કાંડામાં જોર હોય તો કાવડિયાં તો રસ્તામાં પડ્યાં છે—ઉસરડી લઈએ એટલી જ વાર.’ અને પછી પોતાનું જીવનસૂત્ર ઉચ્ચાર્યું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’

પણ મુશ્કેલી એ હતી જિંદગીના તડકાછાંયાથી અજાણ એવા નરોત્તમને કીલા જેટલા હુન્નરો હસ્તગત નહોતા. જીવનની આકરી તાવણીમાં તળાઈ તળાઈને કીલો તો સોયમાં સોંસરવો

૧૨૪
વેળા વેળાની છાંયડી