લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોવા માટે તો એમને આંગણે દિવસો લગી ગામના ખેડૂતોની લંગાર લાગેલી. સમરથવહુ તો આમેય ધરતીથી એક વેંત ઊંચી ચાલવાને ટેવાયેલી જ હતી, એ આ નૂતન સમૃદ્ધિથી ચકચૂર બનીને જાણે આભમાં પાટુ મારવા લાગેલી, અને ગભરુ ગામલોકોને ગર્વભેર ધમકી પણ આપવા લાગેલી કે, ‘જોજો તો ખરાં, હજી તો અમારે આંગણે મોલિમનથી મોટર આવશે મોટર, તેલ પૂરીને હંકારાય એવી મોટર !’

દકુભાઈની સાહ્યબીની આવી આવી વાતો લાડકોરને કાને આવતી ત્યારે એ નર્યો આનંદ જ અનુભવતી અને ઊંડો સંતોષ વ્યક્ત કરતી: ‘ભલે કમાણો મારો વી૨. દકુભાઈ પણ મારો માનો જણ્યો ભાઈ જ છે ને ! પારકો થોડો છે ? ભાઈના ઘરમાં આવતો દી હશે ને હાથ પહોંચતો હશે તો અમને કળોયાંને કાપડું સાંપડશે. ભગવાન એને હજીય ઝાઝી કમાણી દિયે ! સગાંનો હાથ પહોંચતો હશે તો અટક્યેસટક્યે પૈસા માગવાય જવાશે. પારકાં પાસે થોડો હાથ લાંબો કરાશે ?’

અને સાચે જ, દકુભાઈ પાસે હાથ લાંબો કરવા જવું પડે, એવો કરુણ પ્રસંગ લાડકોરના જીવનમાં આવી ઊભો.

એક દિવસ સાંજે બહુ મોડેથી દુકાન વધાવીને ઓતમચંદ ઘેર આવ્યો. સામાન્ય નિયમ — અથવા કહો કે રાબેતો — એવો હતો કે આ સમયે હસમુખી લાડકોર ઉંબરામાં જ ઊભી હોય અને એની અમીવર્ષણ આંખો પતિને મૂંગો આવકાર આપતી હોય. પણ આજે દુકાનેથી થાક્યાપાક્યા આવેલા ઓતમચંદે પત્નીને આંગણામાં કે ઉંબરામાં ન જોતાં એને નવાઈ લાગી. આજે મારે મોડું થયું છે. એટલે વાટ જોઈ જોઈને થાકી ગયાં હશે, એમ સમજીને ઓતમચંદે આજે પોતાનું ગૃહાગમન જાહે૨ કરવા સાંકેતિક ખોંખારો ખાધો.

આમ તો પતિનો પગરવ સાંભળતાં વાર નવોઢા જેટલી ઉત્સુકતાથી પગથિયાં પર દોડી આવતી પત્નીનાં દર્શન આજે હજી સુધી ન થયાં

૧૨૮
વેળા વેળાની છાંયડી