તેથી પતિના મનમાં આશ્ચર્ય સાથે શંકા પણ ભળી. શું થયું હશે, એવા સાહજિક કુતૂહલથી ઓતમચંદ ચોંપભેર ઓસરીમાં દાખલ થયો તો ઘરમાં દીવો પણ ન દેખાયો, ભૂખરી સંધ્યાના આછેરા ઉજાશમાં એણે જોયું તો લાડકોર ઓસરીને એક છેડે માથા પર સાડલાની સોડ તાણીને બટુકને ગોદમાં લઈને સૂતી હતી.
ઓતમચંદ થોડી વાર સુધી તો વિસ્ફારિત આંખે આ દૃશ્ય જોઈ રહ્યો.
લાડકોરના ગળામાંથી દબાયેલું ડૂસકું સંભળાયું ત્યારે ઓતમચંદનો જીવ હાથ ન રહ્યો. એણે પત્નીને ઢંઢોળીને પૂછ્યું: ‘શું થયું ? શું થયું ? ડિલ સારું નથી ? સુવાણ નથી ?’
પતિ આવી પહોંચ્યા છે એમ જાણતાં જ લાડકોર સફાળી બેઠી થઈ ગઈ, સાડલાના છેડાવતી ઝટપટ ભીની આંખ લૂછી નાખી ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે અંધારું થઈ ગયું હોવા છતાં હજી ઘરમાં દીવો નથી કર્યો. પહેલાં એણે ઝટપટ ગોખલામાં ગણપતિ સમક્ષ ઘીનો દીવો કર્યો અને મૂંગાં મૂંગાં હરિકેન ફાનસ પેટાવ્યું.
ઓતમચંદે ફરી પ્રશ્ન કર્યો: ‘કેમ ભલા, આજે ડિલ સારું નથી ?’
હજી લાડકોર મૂંગી જ રહી ત્યારે ઓતમચંદે ફરી પૂછ્યું: ‘બટુક કેમ આજે વહેલો ઊંઘી ગયો ?’
કશો જવાબ આપવાને બદલે લાડકોરે રાંધણિયામાં જઈને વાળુ કાઢવા માંડ્યું ત્યારે ઓતમચંદે ફરી પૂછ્યું: ‘આજે શું થયું છે ? કોઈ માઠા સમાચાર આવ્યા છે ?’
પણ લાડકો૨ને ગળે એવો તો ડૂમો ભરાયો હતો કે એ કશો ઉત્ત૨ આપવા ધારે તોપણ આપી શકે એમ નહોતી. એણે તો યંત્રવત્ પતિ માટે થાળી પી૨સી દીધી અને પોતે લમણે હાથ દઈને બેસી ગઈ.
હાથ-મોં ધોઈને ઓતમચંદ પાટલા ૫૨ બેઠો તો ખરો પણ પત્નીની રડમસ સૂરત જોઈને એ કોળિયો ભરી શક્યો નહીં. હંમેશના નિયમ