મુજબ એણે પૃચ્છા કરી: ‘બટુકે જમી લીધું છે ને ?’
લાડકોરે એકાક્ષી ઉત્તર આપ્યો: ‘ના.’
સાંભળીને ઓતમચંદની શંકાઓ વધારે ઘેરી બની. પૂછ્યું: ‘કેમ જમ્યો નથી ? તાવબાવ ભરાણો છે ?’
‘ના,’ લાડકોરે કહ્યું.
‘તો પછી ખાધું કેમ નહીં ?’
‘ખાતાં ખાતાં કથળી પડ્યો ને પછી રોઈ રોઈને ઊંઘી ગયો.’ લાડકોરે ખુલાસો કર્યો.
થાળીમાંથી કોળિયો ભરવા લંબાયેલો ઓતમચંદનો હાથ થંભી ગયો. પત્નીની ઉદાસીનતાનું રહસ્ય પણ એ પામી ગયો.
‘ખાતાં ખાતાં શું કામ કથળ્યો ?’ ઓતમચંદે પૂછ્યું: ‘તમે કાંઈ વઢ્યાં ?’
‘હું શું કામને વઢું ભલા ?’ લાડકોરે કહ્યું, ‘છોકરો તમને વહાલો છે ને મને કાંઈ દવલો છે ?’
‘તો પછી ભૂખ્યો ને ભૂખ્યો શું કામે સૂઈ ગયો ?’
‘એ તો એણે દૂધપેંડાનો કજિયો કર્યો. સાંજરે સોનીના છોકરાના હાથમાં દૂધપેંડો જોયો હશે એટલે બટુકે પણ વેન લીધું: ‘દૂધપેંડો આપો તો જ ખાઉં, નીકર નહીં. અણસમજુ છોકરાને કેમ કરીને સમજાવાય કે—’
લાડકોરે વાક્ય અધૂરું મેલી દીધું. પત્ની બટુકને શી વાત સમજાવવા માગતી હતી એ ઓતમચંદ આછી ઇશારતમાં જ સમજી ગયા. ઘ૨ના સંજોગોની વાસ્તવિકતાની યાદ તાજી થતાં એ મૂંઝવણ સાથે વિમાસણ પણ અનુભવી રહ્યો.
હવે ઓતમચંદને ભોજનમાંથી સ્વાદ ઊડી ગયો. ભોજનથાળ ઠંડો થતો રહ્યો અને આ દુખિયારાં દંપતી વ્યવહારના અત્યંત નાજુક પ્રશ્નની ચર્ચાએ ચડી ગયાં.