ખેપે તો મોલિમનથી ગાંસડા ને ગાંસડા ઢસરડી આવ્યો છે. દસકો આવતો થયો તે કેવો તરી ગયો, જોતા નથી ! ઈશ્વરિયેથી આવનાર સહુ માણસ વાત કરે છે કે મારી સમરથભાભીને તો પગથી માથાં લગી સૂંડલે સોને મઢી દીધી છે. ને મારા ભત્રીજા બાલુ સારુ તો મોટા મોટા નગરશેઠની છોકરીઓનાં નાળિયેર દકુભાઈને ઉંબરે પછડાય છે એ તમને ખબર છે ?’
‘હા. હમણાં ટોપરાનું બજાર તેજ છે ખરું,’ ઓતમચંદે કહ્યું, ‘મને ખબર નહીં કે તારા દકુભાઈએ નાળિયે૨નો ખેલો માંડ્યો છે !’
આફત અને ચિંતાઓથી ઘેરાયેલા ઓતમચંદમાંથી રમુજવૃત્તિએ હજી વિદાય લીધી નહોતી.
ઈશ્વરિયે જવું કે ન જવું, એની ચર્ચા મોડી રાત સુધી ચાલી. દકુભાઈનાં કરતૂકો બરાબર જાણી ગયેલ ઓતમચંદ એ બે દોકડાના માણસ પાસે હાથ લંબાવવા જતાં અચકાતો હતો. એનો ખ્યાલ એવો હતો કે રાજકોટ ખાતે કમાવા ગયેલ નરોત્તમ થોડી થોડી રકમ મોકલતો થશે તો થોડા દિવસમાં જ અહીંનું ગાડું પાટે ચડી જશે, વેપાર પણ થોડો વધારી શકાશે અને કોઈ પારકાંની ઓશિયાળી કરવી નહીં પડે. પણ લાડકોરમાં એટલી ધી૨જ નહોતી — ખાસ કરીને તો ગઈ સાંજે બની ગયેલા બનાવ પછી એ સ્ત્રીસહજ અકળામણ અનુભવી રહી હતી અને તેથી જ, ઓતમચંદને ઈશ્વરિયે જવા માટે ઊંબેળી રહી હતી.
અને છતાં, ઈશ્વરિયે જવું કે ન જવું, એની દ્વિધામાં ઓતમચંદે ઘણો સમય ગાળ્યો. પણ આખરે પ્રેમાળ પત્નીનો વિજય થયો. લાંબી મથામણને અંતે, પત્નીનું મન સાચવવા, તથા કહેવાતી મોલમિનની કમાણીથી શાહુકાર બની બેઠેલા સાળાનો દાણો દાબી જોવાના