ભાવિ વેવાઈઓ સમક્ષ પોતાની સમૃદ્ધિ અને શાહુકારીનું વર્ણન ચાલી રહ્યું હતું એ જ ઘડીએ, દેવાળું કાઢીને દરિદ્ર બનેલા બનેવીએ બારણામાં દેખાવ દીધો તેથી દકુભાઈને એવી તો દાઝ ચડી કે મૂંગી ચીડમાં એમની આંખો ચાર થઈ ગઈ. કૂતરું વડછકું ભરે એમ દકુભાઈ તાડૂકી ઊઠ્યો:
‘ટાણુંકટાણું કાંઈ જુવો છો કે પછી હાલી જ નીકળ્યા છો ભાતું બાંધીને ?’
કઢેલ દૂધકટોરા ને નાસ્તાની જ્યાફત જોઈને જ ઓતમચંદ ડઘાઈ ગયો હતો. એમાં દકુભાઈને મોંએથી આવો અણધાર્યો ટોણો સાંભળતાં એ ગમ ખાઈ ગયા. એની થાકેલી આંખ સામે લાલ, પીળો ને વાદળી ત્રણેય મૂળ રંગોની મેળવણી થવા લાગી.
દકુભાઈથી આ ટોણો મારતાં તો મરાઈ ગયો, પણ પછી એમને ભાન થયું કે ભાવિ વેવાઈઓ સમક્ષ આવું ઉદ્દંડ વર્તન ખાનદાનીના દેવાળામાં ખપશે. બનેવીએ તો આર્થિક દેવાળું કાઢ્યું જ છે, પણ હું સજ્જનતાનો દેવાળિયો પુરવાર થઈશ, એમ સમજીને તુરત એમણે બગડી બાજી સુધારી લેવાના ઇરાદાથી ઓતમચંદને કહ્યું:
‘ઓસરીમાં વિસામો ખાવ જરાક.’
ઓતમચંદ દીવાનખાનાને ઉંબરેથી પાછો ફરીને થાક્યોપાક્યો ઓસરીમાં બેસતાં મનોમન ગણગણ્યો: ‘વગર પૈસે ખાવા જડે એવી ચીજ તો એક વિસામો જ છે ને !’
ઓતમચંદ પોતાના વેવાઈ કપૂરશેઠને બરોબર ઓળખી શક્યો નહોતો, દીવાનખાનાને ઉંબરે જરીક વાર ડોકાતી વેળા ડઘાઈ ગયેલો પણ કપૂરશેઠે તો ઓતમચંદને પહેલી નજરે જ ઓળખી કાઢેલો. તુરત એમણે મનસુખભાઈના કાનમાં ધીમો ગણગણાટ કર્યો: ‘આ… આ આપણી ચંપાના જેઠ થાય… નરોત્તમના મોટા ભાઈ —’
આ સાંભળીને ચિબાવલા મનસુખલાલે મોઢું મચકોડ્યું.