આથી, અસ્વસ્થ દકુભાઈ વધારે અસ્વસ્થ થઈ ગયા. તેમણે પૃચ્છક નજરે કપૂરશેઠ સામે જોયું.
'વાણિયો બિચારો ભારે હાથભીડમાં આવી ગયો.’
‘હાથે કરીને હાથભીડમાં આવે એમાં કોઈ શું કરે ? દકુભાઈના ગુનાહિત માનસમાં જે સૂઝ્યું તે એમણે વ્યક્ત કરી દીધું. પછી ઉમેર્યું: ‘ગજું માપ્યા વિના મોટા વેપલા કરવા જાય પછી તો આમ જ થાય ને ! આજે તો સહુને લખપતિ થઈ જાવું છે, પણ રૂપિયા એમ ક્યાં રેઢા પડ્યા છે ? આ તમારી નજર સામે અમે પોતે લીલાં માથાં લઈને મોલમિન ખેડ્યું તંયે આ આવતો દી જોવા પામ્યા છીએ.’
દકુભાઈના આવા આત્મશ્લાધાના ઉદ્ગારો સાંભળીને મનસુખલાલ એમના પ્રત્યે જોઈ રહ્યા.
ઓસરીમાં બેઠેલા ઓતમચંદે પોતે અનુભવેલા નિર્ઘૃણ અપમાન બદલ સાળાને નહીં પણ પત્નીને દોષ દઈ રહ્યો હતો. દકુભાઈ ૫ર નહીં પણ લાડકોર પર મનમાં રોષ ઠાલવી રહ્યો હતો.
આજે બાલુના વેવિશાળની ખુશાલીમાં લાપસી-ભજિયાંનું મિષ્ટાન્ન રંધાઈ રહ્યું હતું. રસોડામાંથી સમ૨થ ચૂલે તવો મૂકીને ભજિયાં તળવાનું તેલ ઓસરીના ખાણિયામાંથી કાઢવા માટે હાથમાં ખાલી બરણી લઈને બહાર આવી. ઓસરીમાં ઘૂડપંખની જેમ ઉદાસીન ચહેરે બેઠેલા ઓતમચંદને ઓળખી કાઢતાં સમ૨થવહુ પહેલાં તો ચોંકી ઊઠી. તુરત જૂની આદતને જોરે એણે નણદોઈની હાજરીમાં હાથએકનો ઘૂમટો તાણી લીધો અને સંકોચાતી-શ૨માતી તેલના ખાણિયા તરફ ગઈ.
સમરથવહુએ ખાણિયા ૫રની પથ્થરની ભારેસલ્લ ચાકી ખેસવી અને કેડસમાણી એ ભૂગર્ભ કોઠીમાંથી તેલની બરણી ભરી લીધી. એક વેળાના હાકેમ જેવા નણદોઈના સાનિધ્યમાં સમ૨થવહુએ અત્યારે એટલો તો ક્ષોભ અનુભવ્યો કે ખુલ્લા ખાણિયા પર ફરી પાછું ઢાંકણ વાસવા પણ એ ન રોકાઈ અને ફરી શરમાતી-સંકોચાતી