રસોડામાં દોડી ગઈ. એણે મનમાં વિચારેલું: ‘એંઠવાડ કાઢ્યા પછી નવરી થઈશ એટલે નિરાંતે ખાણિયો ઢાંકી દઈશ.’
ઓતમચંદ ઓસરીમાં એકલો બેઠો બેઠો પોતાના જીવનરંગ પર વિચાર કરી રહ્યો હતો, ત્યાં બજારમાંથી બાલુ આવી પહોંચ્યો.
બાલુના બંને હાથમાં એકેકી ફાંટ હતી. એક ફાંટ એણે સીધી રસોડાના ઉંબરા ૫૨ ઠાલવી. એમાંથી કેળાં, રીંગણાં, તૂરિયાં વગેરે શાકભાજીનો ઢગલો થયો. બીજા હાથમાંની કોથળી જરા ભારે વજનવાળી હતી એમ બાલુના મોંની તંગ રેખાઓ કહી આપતી હતી.
૨સોડામાંથી તેમજ દીવાનખાનામાંથી બાલુને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા સમરથવહુના તથા દકુભાઈના અવાજો ઓતમચંદે સાંભળ્યા.
સમરથવહુએ પુત્રને અનુલક્ષીને છણકો કર્યો: ‘મારા તવાનું તેલ બળી ગયું ત્યારે તું શાકપાંદડાં લાવ્યો તે હું ક્યારે એનાં પતીકાં કરીશ ને ક્યારે એનાં ભજિયાં ઉતારીશ !’
દકુભાઈએ બાલુને ઉદ્દેશીને બૂમ મારી: ‘તુળજા ગોરને બરકી આવ્યો ?
‘આવું છું, એમ કીધું.’ બાલુએ જવાબ આપ્યો.
‘એમ આવું છું કીધે નહીં ચાલે મારે ઘેર, કહી દે એને ચોખ્ખું,’ દકુભાઈએ આદેશ આપ્યો, ‘કહી દે તુળજાને કે આવવું હોય ને દખણાની ગરજ હોય તો અબઘડીએ જ કંકાવટી લઈને હાજર થઈ જાય… …આ કાંઈ નાતનાં લાહાં ખોરડાં માંઈલું ખોરડું નથી… જા ઝટ, ઊભાઊભ પાછો જા, ને તુળજા ગોરને તારા ભેગો જ તેડતો આવ !’
દકુભાઈના શંકાશીલ માનસમાં શંકા પેઠી હતી કે થનાર વેવાઈઓ સમક્ષ બનેવીની દરિદ્રતાનું તેમજ પોતાની ઉદ્દંડતાનું જે કમનસીબ પ્રદર્શન થઈ ગયું છે, એ જોઈને વેવાઈઓ કદાચ બાલુ જોડે સગપણ કરવાનો પોતાનો નિર્ણય ફેરવી નાખશે ! ‘સારાં કામ આડે સો વિઘ્ન’ એમ વિચારી, બનેવીએ ઊભા કરેલા આ અણધાર્યા વિઘ્ન બદલ