પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૬

ઉજળિયાત વરણનો માણસ
 


ડૂબતા સૂરજનાં છેલ્લાં કિરણો મેંગણીમાં એભલ આહીરના વાડામાં પથરાયાં હતાં ત્યારે ડેલીએ સાદ પડ્યો: ‘હીરીકાકી !’

‘કોણ ? ચંપા ?’

‘હા.’

‘આવ્ય, આવ્ય, બેન !’ કહીને હીરબાઈએ ખડકી ઉઘાડી.

બારણામાં, હંમેશના નિયમ મુજબ દૂધ લેવા આવેલી ચંપા ઊભી હતી. એના એક હાથમાં ઊટકેલ કળશો સંધ્યાનાં સોનેરી કિરણોમાં ઝગારા કરતો હતો. પણ ચંપાના સોનવ૨ણા ચહેરા પરના ઝળહળાટ પાસે આ વાસણનો ઝળહળાટ કશી વિસાતમાં નહોતો લાગતો. રોજનાં પરિચિત હીરબાઈ પણ ચંપાના પ્રતિદિન પ્રફુલ્લિત રહેલ મુખારવિંદ તરફ આજે તાકી તાકીને જોઈ રહ્યાં.

‘હજી ધણમાંથી ઢોર નથી આવ્યાં ?’ વાડો આખો ખાલીખમ જોઈને ચંપાએ પૂછ્યું.

‘મારગમાં જ હશે. અબઘડીએ આવી પૂગશે,’ કહીને હીરબાઈએ ચંપાને ખાટલા પર પોતાની પડખે બેસાડી.

ફરી હીરબાઈ આ યુવતીની પાંગરતી દેહયષ્ટિને ઝીણી નજરે અવલોકી રહ્યાં. સ્ત્રીસુલભ કુતૂહલથી બોલ્યાં:

‘એલી તું તો બવ ડિલ ઘાલવા મંડી છો કાંઈ ! પરણ્યા પછી તો આડી ને ઊભી વધવા મંડીશ એમ લાગે છે.’

સાંભળીને, સ્ત્રીની હાજરીમાં પણ ચંપાએ મીઠી શરમ અનુભવી. વિષયાંતર ખાતર જ એણે પૂછી નાખ્યું:

૧૪૮
વેળા વેળાની છાંયડી