પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એભલકાકાને કેમ આજ મોડું થયું ભલા ?’

કાપડામાં ખાપું ભરતાં ભરતાં જ હીરબાઈએ યંત્રવત્ ઉત્તર આપી દીધો:

‘ઢોરાં ક્યાંક આઘાંપાછાં થઈ ગયાં હશે એટલે ગોત્ય કરતા હશે.’

આરસી જેવા ચકચકિત કળશામાં ચંપા પોતાનું ગોરમટું મોઢું જોવા લાગી.

હીરબાઈએ ફરી વાર ઠેકડી કરી.

‘વગર જોયે જ બવ રૂપાળી લાગશ. ઊજળાં માણહને વળી આભલાંનો શું ખપ પડે !’

‘ઊજળાં ખરાં, પણ તમ કરતાં હેઠ,’ હવે મજાક ક૨વાનો વારો ચંપાનો હતો. હસતી હસતી એ આહીરાણીની સુડોળ દેહલતાને અહોભાવથી નીરખી રહી.

‘અમે તો રિયાં લોકવરણ… દી આખો દાખડા કરવાના… ઢોર-ઢાંખ૨નાં છાણવાસીદાં કરવાનાં,’ અજબ નમ્રતાથી હીરબાઈએ કહ્યું, ‘ને તું કાલ સવારે પરણીને વાઘણિયાની મેડીને ગોખ જઈ બેહીશ.’

આહીરાણીએ અપેક્ષા તો એવી રાખી હતી કે આ વાક્ય સાંભળીને ચંપા આનંદાવેશમાં અરધી થઈ જશે, પણ પરિણામ સાવ વિપરીત જ આવ્યું.

લગ્ન, વાઘણિયું, મેડી-ગોખ વગેરેની વાત સાંભળીને ચંપાએ મણ એકનો નિસાસો નાખ્યો.

ચતુર આહીરાણીની ચકોર નજરથી ચંપાનો આ નિઃશ્વાસ અજાણ્યો ન રહ્યો. હીરબાઈએ પૂછ્યું:

‘તારું મોઢું કાં પડી ગયું, ભલા ?’

ચંપા કશો ઉત્તર ન આપી શકી. માત્ર પોયણીશી પાંપણમાં ઝળઝળિયાં ઝબકી ગયાં.

ઉજળિયાત વરણનો માણસ
૧૪૯