‘અરે મારી દીકરી ! આવી પોચા હાડની છો ઈ તો આજે જ જાણ્યું !’ વત્સલ માતાની જેમ હીરબાઈએ ચંપાને ગોદમાં લીધી. પછી પૂછ્યું: ‘એવા તી તારા ઉપર કયા દુઃખના ડુંગર આવી પડ્યા છે તી આમ કોચવાવા માંડી છો ?’
હી૨બાઈની હૂંફાળી ગોદમાં ચંપાના સંતપ્ત હૃદયે ખરેખર શાતા અનુભવી, હૃદયની વ્યથા વ્યક્ત કરવા માટે હમદર્દીભર્યું પાત્ર પણ એને સાંપડી રહ્યું. વાઘણિયેથી કર્ણોપકર્ણ વહેતી આવેલી વાતો ચંપાએ હી૨બાઈને કહી સંભળાવી. પોતાના ભાવિ પતિને વાઘણિયું છોડીને શહે૨માં જવું પડ્યું છે, અને શહેરમાં એ જેમતેમ કરીને દિવસ ગુજારે છે એવી શહેરનાં માણસોને મોઢેથી સાંભળેલી વાતો પણ ચંપાએ વ્યથિત હૃદયે કહી સંભળાવી.
‘અરે ગાંડી છોકરી ! આવી ધૂળઢેફાં જેવી વાતમાં આટલું ઓછું શું આવી ગયું તને ?’ હી૨બાઈએ હસી પડીને ચંપાને હિંમત આપી: ‘સુખદુઃખ તો ચાંદા-સૂરજની જેમ વારાફરતી આવ્યાં કરે. એની કાંઈ નવી નવાઈ છે ? પણ માણહ જેવા માણહથી કંઈ હિંમત હારી જવાય ? બીજી સંધીય ખોટ ખમાય, એક માણહની ખોટ ન ખમાય. માણહ પંડ્યે સાજાં-નરવાં હોય તો સંધાંય સુખદુઃખને પહોંચી વળાય. ઠાલો જીવ બાળ મા, બેન. તમે વરવહુ સાજા-નરવાં રિયો ને તનકારા કરો. બાકી નાણું તો કોણે કર્યું ? —માણહે પંડ્યે જ ને ? નાણાંને તો કૂતરાંય નથી સૂંઘતાં, નાણાં કરતાં સાચો મહિમા તો નેકીનો છે મારી બાઈ !’
અને પછી ચંપાને ગેલમાં લાવવાના ઇરાદાથી હીરબાઈએ હોંશભેર પૂછ્યું:
‘લગન હવે કે’દીનાં છે, બોલ જોઈએ ઝટ !’
મકનજી મુનીમ એક વેળા રોટલા ટાણે આવી ચડેલો ને પિતાને વમળમાં નાખતો ગયેલો એ પ્રસંગ યાદ આવતાં ચંપાને કહેવાનું મન