તો થઈ ગયું કે લગનની વાત પણ હવે તો ટોડલે ચડી છે — થાય ત્યારે સાચાં. પણ આવી અણગમતી વાણી ઉચ્ચારવા માટે એની જીભ જ ઊપડી શકી નહીં. હીરબાઈનો પ્રશ્ન રોળીટોળી નાખવા એણે સરળ જવાબ આપી દીધો.
‘બાપુજીનો વિચાર મારાં ને જસીનાં લગન ભેગાં જ કરવાનો છે.’
‘પણ જસીનું સગપણ તો હજી–’
‘બાપુજી આજે જ કરવા ગયા છે.’
‘ક્યાં ? કિયે ગામ ?’
‘ઈશ્વરિયે,’ ચંપાએ કહ્યું.
‘કોને ઘીરે ?’ હી૨બાઈએ કેવળ કુતૂહલથી પૂછી નાખ્યું. ઈશ્વરિયામાં હીરબાઈનાં સગાંવહાલાં ને નાતીલાં સારી સંખ્યામાં રહેતાં તેથી એ ગામ સાથે એમને આત્મીયતા હતી.
‘દકુભાઈ શેઠનું નામ સાંભળ્યું છે ?’
‘હં… ક… ને ઓલ્યા પરદેશ ખેડી આવ્યા છે ઈ જ ને ?’
‘હા, તમે ઓળખતાં લાગો છો !’
‘દકુશેઠને કોણ ન ઓળખે !’ હીરબાઈ જરા દાઢમાં બોલી ગયાં. પણ પછી એમને ખ્યાલ આવ્યો કે આવી વ્યંગવાણી કદાચ ચંપાને નહીં રૂચે તેથી એમણે વાક્યના ઉત્તરાર્ધમાં વાતનો ધ્વનિ બદલી નાખ્યો: ‘પરદેશથી ગાડા મોઢે નાણું ઉસરડી આવ્યા છે, એમ કહેવાય છે.’
‘હા, એના દીકરા બાલુ વેરે જસીનું સગપણ—’
‘બાલુ વેરે ? દકુભાઈના છોકરા વેરે જસીનું સગપણ ?’ ચંપાને અધવચ્ચે અટકાવીને હીરબાઈએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘હા, કેમ ?’ ચંપાએ પણ સામું બમણું આશ્ચર્ય બતાવ્યું.
‘દકુશેઠના છોકરા વેરે આપણી જસીબેનનું સગપણ થાશે, એમ ?’
‘થાશે નહીં, થઈ ગયું જ હશે,’ ચંપાએ કહ્યું, ‘બાપુજી ને મનસુખમામા આજે સવારમાં ઈશ્વરિયે પૂગી ગયા છે. આજે બપોરના