પડી હોત તો ?… બાપુજીને કાને વાત નાખી હોત તો ફેર પડત… પણ મકનજી મુનીમની ને મોલિમનની કમાણીની વાતું સાંભળીને સહુ આંધળાભીંત થઈ ગયા. મનસુખમામા જેવા શહેરી માણસ પણ દકુશેઠની સાહ્યબી સાંભળીને મોહી પડ્યા… બિચારી જસીના કરમમાં કોણ જાણે કેવાં વીતક માંડ્યાં હશે !’
વાત વાતમાં જ પોતે આ રીતે ચંપાને વમળમાં નાખી દીધી છે, એ હકીકતનું ભાન થતાં હીરબાઈ વિષયાંતર કરવા બોલી ઊઠ્યાં:
‘અરે ? આ અંધારાં થવાં આવ્યાં તોય હજી ધણ ક્યાં રોકાણાં ? કે પછી ખાડા ઉ૫૨ દીપડો પડ્યો હશે ?’
‘હમણાં કહે છે કે આપણી કોર્ય દીપડો બહુ હર્યો છે… સાચી વાત ?’ ચંપાએ પૂછ્યું.
‘હા, તરભેટે બકરાં-સસલાંનું મારણ કરીને ખળખળડીમાં રોજ પાણી પીવા આવે છે.’
‘પણ એભલકાકાના ડોબા ઉપર પડવાનું દીપડાનું ગજું નહીં.’ ચંપાએ અહોભાવથી હસતાં હસતાં કહ્યું. ‘એભલકાકા તો એક ડંગોરા ભેગો દીપડાને ગૂંદી નાખે.’
‘પણ આજુ ફેરે મૂવે દીપડે લોહી ચાખ્યું લાગે છે,’ હીરબાઈએ કહ્યું, ‘હજી ચાર દન મોર્ય એક ગવતરીને ચૂંથી ખાધી’તી, ને હવે તો રોજ હરી ગયો છે. એકેય ડોબું છૂટું મેલાય એમ નથી.’
હીરબાઈ આવી ફિકર કરતાં હતાં ત્યાં જ પાદરમાં રમવા ગયેલો બીજલ આવી પહોંચ્યો ને બોલ્યો:
‘મા, મા, ધણ આવી ગયાં…ઝટ ખાટલો ઢાળો, ખાટલો.’
‘કાં ? ખાટલાનું શું કામ પડ્યું વળી ?’
‘બાપુને ખંધોલે ભાર છે, મને કીધું કે જા ઝટ, ખાટલો ઢળાવ્ય !’