કોક થાક્યોપાક્યો વટેમાર્ગુ પોરો ખાતો હશે. પણ આટલા અસૂરા પોરો ખાવાનું તો કોને પોસાય, એમ સમજીને હું જરાક ઓરો ગયો તો લાગ્યું કે, જણ ઊંઘતો નથી. ‘એલા ભાઈ ! એલા ભાઈ !’ બેચાર સાદ પાડ્યા પણ હોંકારો નો દીધો એટલે મને વેમ ગયો—’
‘પછી ?’ હીરબાઈએ અધ્ધર શ્વાસે પૂછ્યું.
ચંપા વધારે જિજ્ઞાસાથી નજીક આવી.
‘પછી તો મારો જીવ હાથ નો રિયો એટલે મેં તો એને હલબલાવી જોયો પણ તોય હોંકારો નો દીધો એટલે પેટમાં ફાળ પડી. હાથપગ ટાઢાબોળ લાગ્યા એટલે થયું કે કદાચ રામ રમી ગયા હશે પણ તાળવે હાથ મેલ્યો તો જરાક તપાટ લાગ્યો ને નાક ઉપર આંગળી મેલી જોઈ તો ખોળિયામાં ધીમો ધીમો સાસ હાલતો’તો એટલે જણ હજી જીવતો છે એમ લાગ્યું…’
‘એરુબેરુ તો નહીં આભડ્યો હોય ને ?’ હીરબાઈએ પૂછ્યું.
‘મનેય મૂળ તો એવો જ વહેમ હતો, પણ એને ડિલે આખે નજર કરી તો વાંસામાં લાકડીઉના લીલા લીલા સોળ ઊઠી આવ્યા દેખાણા એટલે સમજાયું કે જણને સારીપટ મૂઢ માર લાગ્યો છે, બીજું કાંઈ બીક જેવું નથી. પણ એવી બીકાળી જગામાં આવા અજાણ્યા માણહને રેઢો મેલીને આવતાં મારો જીવ માન્યો નહીં. ઓલ્યો કૂતરો રોજ રાતે બકરાં-ગાડરાંનાં મારણ કરીને ખળખળિયામાં પાણી પીવા પડે છે ઈ કાળી રાતે આનો તો કોળિયો જ કરી જાય ને ! એટલે હું તો લાંબો વિચાર કર્યા વિના, ભગવાનને ભરોસે પછેડીની ફાંટમાં બાંધીને એને ભેગો લેતો આવ્યો છું…’
‘ભલે લઈ આવ્યા,’ હીરબાઈએ કહ્યું, ‘લાગે છે તો કોઈ ઉજળિયાત વરણનો જીવ.’ અને પછી પુત્રને હુકમ કર્યો: ‘બીજલ બેટા, ખોરડે ચડીને નેવેથી બેચાર નળિયાં સાજાં જોઈને ઉતાર્ય…’ અને પછી ચૂલા તરફ ફરતાં બોલ્યાં: ‘લ્યો, હું નવો ઓબાર ભરીને શેક કરું