૧૭
‘આ તો મારા જેઠ થાય—સગા જેઠ, ખાટલાની ઈસ ૫૨ બેસીને
બેભાન માણસના પગને તળિયે ખરડ કરતાં કરતાં ચંપાએ હીરબાઈને કહ્યું, ‘આ તો વાઘણિયાવાળા ઓતમચંદ શેઠ છે.’
‘સાચોસાચ ?’
‘હા, હું વાઘણિયે ગઈ’તી તંયે નજરોનજર જોયા’તા.’
એભલ વાડામાં ઢોર બાંધવા ગયો પછી ઓતમચંદને ખાટલે શુશ્રૂષા કરી રહેલાં બે સ્ત્રીહૃદય વાતોએ ચડ્યાં હતાં.
ચંપાએ ચાતુરી વાપરીને બીજલ સાથે દૂધનો કળશો ઘરે મોકલાવી દીધેલો અને માતાને સંદેશો પણ કહેવડાવી દીધેલો કે હું થોડી વારમાં આવું છું, જેથી સંતોકબા પુત્રીની ફિકર ન કરે.
‘બિચારા જીવ ખળખળિયાને કાંઠે ક્યાંથી આવી પોગ્યા હશે !’ હીરબાઈએ પૂછ્યું.
‘ભગવાન જાણે !’ ચંપા બોલી, ‘કદાચ ઉઘરાણી-બુઘરાણીને મસે નીકળ્યા હોય—’
‘ને કોઈ ડફેર કે આડોડિયાએ આંતરીને લૂંટી લીધા હોય ! આવો મૂઢ માર તો બીજું કોણ મારે ?’
‘ભગવાન જાણે !’
‘તારી બાને વાવડ કેવરાવવા પડશે ને ?’ હીરબાઈ બોલ્યાં.
‘વાવડ શું, મહેમાનનો ખાટલો જ અમારે ઘરે લઈ જાવો પડશે,’ ચંપાએ કહ્યું, ‘પણ ઈ આંખ ઉઘાડે નહીં ત્યાં લગણ આંહીંથી આઘા ખસતાં મારો જીવ ન હાલે.’