લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગરમાગરમ ખરડ ને ગરમ શેકની બેવડી અસરથી ઓતમચંદનાં ઠુંગરાઈ ગયેલાં અંગોમાં ચેતના આવવા લાગી. એણે હાથ સહેજ હલાવ્યો અને પગ સહેજ સંકોર્યો ત્યારે હીરબાઈના ચિંતાગ્રસ્ત ચહેરા પર આશાની સુરખી ફરકી ગઈ. બોલ્યાં: ‘હવે સુવાણ્ય થઈ જાશે.’

અત્યાર સુધી ઓતમચંદના દાંતની દોઢ્ય વળી ગઈ હતી એ ઊઘડી ગઈ ને એણે ઓઠ ૫૨ જીભ ફેરવવા માંડી.

‘જો, દાંતની દોઢ્ય ઊઘડી ગઈ !’ હીરબાઈ આનંદિત થઈને બોલી ઊઠ્યાં: ‘હોઠ ઉપર જીભ ફેરવે છે એટલે ગળું સુકાતું હશે, ગગી ઊભી થઈને પાણી પા !’

ચંપા ખાટલેથી ઊઠીને પાણિયારા તરફ ગઈ એટલે હીરબાઈએ એને સૂચના આપી: ‘ગોળેથી પાણી ભરજે મા, હો !’

‘કાં ભલા ?’ ચંપાને નવાઈ લાગી.

‘આયરના ગોળાનું પાણી પાઈને ઉજળિયાતની દેઈ નો અભડાવાય.’

‘હવે રાખો રાખો !’ ચંપાએ હસતાં હસતાં કહ્યું, ‘ચાંગળું પાણી પેટમાં ગયે એમ દેઈ વટલાઈ જતી હશે !’

‘ના માડી, આપણાથી એવું પાપ નો વો૨ાય. સહુ સહુના ધ૨મ સહુને વાલા હોય,’ કહીને હીરબાઈએ સૂચવ્યું: ‘ઓલી ઊટકેલ ટબૂડી લઈને કોઠીમાંથી અણબોટ્યું પાણી ભરી લે.’

ઓતમચંદે ફરી ઓઠ ૫૨ જીભ ફેરવી.

‘ઝટ ટબૂડી ભરી આવ્ય, ગગી !’ હીરબાઈએ આજ્ઞા કરી.

ઓતમચંદની આંખો તો હજી મીંચાયેલી જ હતી છતાં ચંપાએ શ્વશુર પક્ષના વડીલની સન્મુખ બેસતાં પારાવાર સંકોચ અનુભવ્યો. પણ અનિવાર્ય ફરજ સમજીને એણે અત્યંત ક્ષોભ સાથે જાજરમાન જેઠના મોઢામાં ટોયલીએ ટોયલીએ પાણી ટોવા માંડ્યું.

ગટાક ગટાક અવાજ સાથે ઓતમચંદ ગળે પાણી ઉતારવા લાગ્યો. અને ઘૂંટડે ઘૂંટડે એ પરમ તૃપ્તિ અનુભવવા લાગ્યો.

૧૫૮
વેળા વેળાની છાંયડી