‘આમ કાં બોલો, શેઠ ?’ એભલે કહ્યું, ‘કપૂરશેઠને ખબર પડે કે તમે અહીં આવી ગયા ને અમે એને જાણ ન કરી, તો પછી એમ ઠપકામાં આવી પડીએ ને !’
‘એટલે જ કહું છું કે કપૂરશેઠને ખબર જ પડવા દેજો મા,’ ઓતમચંદ બોલ્યો, ‘મારે ઝટ વાઘણિયે પુગવું પડે એમ છે ને કપૂરશેઠને ખબર પડે તો મને અહીં અઠવાડિયા લગી રોકી રાખે. વેવાઈ અવા તો હોંશીલા છે કે મને ઘડીકમાં પાછો નીકળવા જ ન દિયે…’
સહુ સાંભળી રહ્યાં, પણ કોઈને આ ખલાસો ગળે ન ઊતરી શક્યો.
‘લ્યો, આ ચંપા તો જાય છે ઘેર. હીરબાઈ બોલ્યાં, ‘અબઘડી કપૂરશેઠ કેડ્ચે કાછડી ખોસતાં આવી પૂગ્યા સમજો !
‘એને કહો કે ઘેર જઈને મારા નામનો એક અક્ષરેય ન બોલે.’
‘અરે એમ તે હોય શેઠ ! તમે મેંગણીમાં આવ્યા ને ચંપા પોતાનાં માબાપને જાણ ન કરે એવું તે શોભે ક્યાંય ?’
‘જાણ કરશે તો નહીં શોભે,’ ઓતમચંદે કહ્યું, ‘એને સહુથી વહાલાં સગાના સમ દઈને કહો કે ઘરમાં કોઈને આ વાતની જાણ ન કરે—’
‘પણ શેઠ, આમાં તો અમે વાંકગુનામાં આવી પડશું,’ એભલે ભય વ્યક્ત કર્યો, ‘અમારે માથે કપૂરબાપાનું કાયમનું મહેણું રહી જાશે.’
‘મહેણું નહીં રહેવા દઉં,’ ઓતમચંદે કહ્યું, ‘હું વાઘણિયે બરોબર સાજો થઈ જઈશ પછી આંટો આવી જઈશ. પણ હમણાં તો મેં મેંગણીમાં પગ મેલ્યો છે એટલી વાત પણ કોઈને કાને મા, ભલા થઈને.’
‘લાજના ઘૂમટા આડે ચંપા બિચારી કાંઈ બોલતી નથી. પણ મનમાં કોચવાય છે,’ હીરબાઈ બોલ્યાં, ‘આંખમાંથી તો ડળક ડળક આંહુડાં દડવા મંડ્યાં છે.’
‘કોચવાવ મા, બેટા, કોચવાવ મા,’ ઓતમચંદે ખુલાસો કર્યો. ‘હું તો વાઘણિયા દરબારનો વજે જોખવા નીકળ્યો હતો એમાં આડોડિયાએ