લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માર મારીને લૂંટી લીધો… મૂઢ માર તો બહુ લાગ્યો હતો પણ તમ જેવાં સતીનાં પુન્ય આડાં આવ્યાં તે ઊગરી ગયો એટલો પરમેશ્વરનો પાડ સમજો. પણ વાને કાનેય આ વાત ન જાય એનું ધ્યાન રાખજો. મારી આબરૂ વહાલી હોય તો હોઠે તાળું જ મારી દેજો. જાણે કે મેં મેંગણી ગામમાં પગ જ નથી મેલ્યો એમ સમજજો–’

‘શેઠ, ચંપા કિયે છ કે ઈ પાંતીની ફકર કરશો મા, કોઈને કાને વાત નઈ જવા દઉં,’ દૂર ઊભાં ઊભાં હીરબાઈએ ચંપાનો જવાબ કહી સંભળાવ્યો.

‘જીવતી રહે, દીકરી. તારા જેઠની આબરૂ અટાણે તારા હાથમાં છે.’

હીરબાઈ ચંપાના ઘૂમટામાં કાન ધરીને એનું કથન સાંભળતાં જતાં હતાં અને દુભાષિયાની ઢબે એનો સાર ઓતમચંદને સંભળાવતાં જતાં હતાં.

‘કિયે છ કે સાસરિયાંની આબરૂ તમ કરતાંય મને વધારે વા’લી છે…’

‘એનું નામ ખાનદાનનું ફરજંદ.’

‘કિયે છ કે તમારું વેણ નંઈ ઉથાપું… ઘરમાં કોઈને ગંધ પણ નંઈ જાવા દઉં કે મારા જેઠ ગામમાં આવ્યા છે.’

‘વાહ દીકરા ! આનું નામ ડહાપણ !’ ચંપાએ કહેવડાવેલા ઉત્તરો સાંભળીને ઓતમચંદે સંતોષ વ્યક્ત કર્યો.

‘ચંપા પૂછે છે કે જેઠની રજા હોય તો હવે હું જાઉં…’ હીરબાઈએ કહ્યું.

‘જાવ, બેટા, ખુશીથી જાવ,’ ઓતમચંદે આદેશ આપ્યો.

અને મનમાં સમાધાન થયા વિનાની અનેકાનેક શંકાઓ સાથે ચંપા ઘર તરફ ઊપડી.

ઘેર પહોંચતાં સુધીમાં આખે રસ્તે આ શંકાઓ વધારે ઘેરી બનતી રહી. જેઠજી પોતાના આગમન અંગે આટલી બધી ગુપ્તતા શા માટે

આ તો મારા જેઠ!
૧૬૩