લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાહનની સહેલગાહ માણવા ગાડીની પછવાડે ટિંગાઈ પણ રહેતા હતા.

⁠બટુકને આજે આનંદનો દિવસ હતો. જ્યારથી ઓતમચંદ શેઠે ઘરઆંગણે ગાડી બાંધી ત્યારથી વશરામે આ કિશોરને ઘોડાગાડીનો – અને પોતાનો પણ – એવો તો હેવાયો કરી મેલ્યો હતો કે અણસમજુ બટુક આખો દિવસ ગાડીમાં જ ફર્યા કરતો. વહાલસોયા વશરામે બટુકને માત્ર ગાડીમાં બેસવાનું જ નહીં, ગાડી હાંકવાનું પણ બંધાણ કરાવી દીધું હતું.

⁠અત્યારે પણ બટુકને ઘોડાની લગામ પકડવાથી જ સંતોષ નહોતો થતો. થોડી વારમાં એણે વશરામને હુકમ કર્યો:

⁠‘સોટી લાવો, સોટી !’

⁠વયોવૃદ્ધ વશરામે આ બાળાશેઠને રાજી કરવા એના ટચૂકડા હાથમાં નેતરની સોટી પકડાવી દીધી.

⁠હવે બટુક ખરેખર રંગમાં આવ્યો હતો. ‘ચાલ, ઘોડા, ચાલ ! કરીને ઘોડાની પીઠ પર સબોસબ સોટી સબોડતો જતો હતો.

⁠હટાણે નીકળતા પરિચિત ખેડૂતો ગાડી હાંકતા આ બાળકને ઓળખી કાઢતા અને કહેતા હતા: ‘કોણ બટુકભાઈ કે ?’ અને પછી પ્રશંસા અને આનંદ વ્યક્ત કરતા હતા: ‘વાહ બહાદુર, વાહ !’

⁠કોઈ વછિયાતી વેપારી સામે મળતાં પૂછતા હતા:

⁠‘કાં નરોત્તમભાઈ ? કેની કોર ?’

⁠નરોત્તમ જવાબ આપતો: ‘મેંગણીવાળા કપૂરશેઠ ટેસણે ઊતરે છે, સામો જાઉં છું.’

⁠‘વાસ્તુ ઉપર આવતા હશે !’

⁠‘હા, હા.’

⁠‘ભલે, ભલે ભાઈ, પૂગો ઝટ. આજે રેલ અઢી જ કલાક મોડી છે એટલે અબઘડીએ આવી પૂગશે.’

૧૬
વેળા વેળાની છાંયડી