પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. મારે માનો જણ્યો ભાઈ નથી એટલે તમને જ આજથી ધરમના ભાઈ ગણું છું—’

‘ભલે બેન, ખુશીથી ગણો તમતમારે,’ ઓતમચંદે લાગણીશીલ અવાજે કહ્યું.

આટલી વાતચીત પછી હીરબાઈ પણ લાગણીશીલ બની ગયાં હતાં, થોડી વારે એમણે કહ્યું:

‘મારે એક ભાઈ હતો—જુવાનજોધ. પણ પરારની સાલ મરકી આવી એમાં પાછો થયો. એના મોઢાનો અણસાર બરોબર તમારા જેવો હતો. તમને જોઉં છું ને ઈ યાદ આવી જાય છે. એટલે હું તમને મારા ધરમના ભાઈ ગણીને થાપું છું—’

‘ભલે બેન, ઘણી જ ખુશીથી—’

હવે એભલ બોલ્યો:

‘તમે આમ ઓચિંતા અમારે આંગણે આવ્યા તેમાં ઉપરવાળાની કાંઈક ગણતરી જ હશે. માણસ માણસના મેળાપ કાંઈ અમથા નથી થતા—’

‘ભગવાને જ તમને મોકલ્યા હશે, ભાઈ ! મારા જેવી ન-ભાઈને ધરમનો ભાઈ જડી રિયે એટલા સારુ—’ હીરબાઈ બોલ્યાં.

‘ઈશ્વરની લીલા તો અકળ છે, બેન ! એમણે મને જીવતો રાખવો હશે તે તમારો ભેટો કરાવી દીધો,’ ઓતમચંદે આભારવશ અવાજે કહ્યું:

‘નહીંતર આવી કાળી રાતે ખળખળિયાને કાંઠે ભેંકાર જગ્યામાં પડ્યો હોત તો કોને ખબર છે મારું શું થયું હોત ! તમારો તો જનમ જનમ ઓશિયાળો રહીશ. તમારો તો જેટલો પાડ માનું એટલો ઓછો જ ગણાય.’

‘પાડ માનો પરમેશ્વરનો, ભાઈ !’ હીરબાઈએ કહ્યું, ‘સંધ્ય કરતો કારવતો તો ઉપરવાળો કિરતાર છે. એના હુકમ વિના ઝાડનું પાંદડુંય

વિપદ પડે પણ વણસે નહીં
૧૭૧