‘બીજલ, અમારે ઘેર તારા જેવો જ એક ભાઈ છે. એનું નામ બટુક.’
‘ભગવાન એને સો વરસનો કરે !’ હીરબાઈએ આશીર્વાદ ઉચ્ચાર્યા.
‘બટુક સારુ તારાં એકાદબે રમકડાં આપીશ મને ?’ બીજલને સારી પેઠે હુલાવી-ફુલાવીને ઓતમચંદે પૂછ્યું.
તુરત બીજલે વિરોધમાં ચીસ પાડી — જાણે કે પોતાનો અમૂલ્ય ભંડાર આ ઘડીએ જ લૂંટાઈ જતો હોય એમ સમજીને ફૂટપાથ ૫૨ પથારો કરી બેઠેલો ફેરિયો પોલીસના આગમનના સમાચાર સાંભળીને સંકેલો કરવા માંડે એમ બીજલ પણ પોતાનો અસબાબ પાછો કોઠલામાં ભરવા માંડ્યો પણ હીરબાઈએ એને અટકાવ્યો.
‘મામાના દીકરાને સારુ રમકડાં આપવાની ના પડાય, બેટા ?’
ઓતમચંદે કહ્યું:
‘તું બટુક સારુ પાવો આપીશ તો બટુક પણ તને હાથી મોકલશે.’
આ જાતનો બદલાનો સોદો બીજલને ગળે ઊતર્યો ખરો. દૂર દૂરના ગામમાં વસતા એક અણદીઠ ને અજાણ્યા ભાઈબંધ માટે એણે એક પાવો ફાજલ પાડ્યો ખરો.
પછી તો પુત્રની આ ઉદારતાનો વધારે લાભ લેવા હીરબાઈએ બીજલને ખૂબ ફોસલાવ્યો, પટાવ્યો, ને બીજાં પણ ચાર-પાંચ રમકડાં બટુક માટે કઢાવી આપ્યાં.
‘તને પણ હું ઢગલોએક રમકડાં મોકલીશ, હો બેટા !’ ઓતમચંદે આનંદપૂર્વક બીજલને ખાતરી આપી.
આ પ્રસંગ ઉપરથી હીરબાઈએ મહેમાનના ઘરસંસાર વિશે પૃચ્છા શરૂ કરી અને થોડી વારમાં તો બંને કુટુંબો વચ્ચે જાણે જૂનીપુરાણી ઓળખાણ હોય એટલી આત્મીયતા એમની વચ્ચે કેળવાઈ ગઈ.
આ આત્મીયતાથી પ્રેરાઈને જ હીરબાઈ બોલ્યાં: ‘ભાઈ. એક વાત કરું ?’