‘એક લીલું નાળિયેર ને ચૂંદડી લઈ આવીને ઊભા રહેશો ને, તોય હું જાણીશ કે મારો ભાઈ મામેરું કરવા આવ્યો.’
‘ફિરક કરો મા, બેન ! તમે મને નવી જિંદગાની આપી, તો હું ગરીબ માણસ ગજાસંપત ૫રમાણે મામેરું નહીં કરું ?’
‘જીવતા રિયો, મારા વીર !’ બહેને આંતરડીના આશીર્વાદ આપ્યા. ‘તમને ગોઠણ સમાણી જાર થાય… …ભગવાન તમારી આડીવાડી વધારે ને સંધીય વાતે સુખી કરે.’
આ હેતાળ ગૃહજીવનમાં ઓતમચંદને જે હૂંફ અનુભવવા મળી એને પરિણામે એની શારીરિક વેદના જાણે કે વિસારે પડી ગઈ.
રાતે મોડે મોડે સુધી સહુ સુખદુઃખની વાતો કરતાં રહ્યાં.
એભલ બજારમાં જઈને, વહેલી સવારે કપાસ ભરીને સ્ટેશને જનાર એક ગાડાવાળા સાથે વાતચીત કરી આવેલો ને એ ગાડામાં મહેમાનને અમરગઢ સ્ટેશન સુધી પહોંચાડવાનો બંદોબસ્ત પણ કરી આવેલો. એ અનુસાર, મોડે મોડે સૂતેલા ઓતમચંદે માંડ એકાદ ઊંઘ ખેંચી હશે ત્યાં ગાડીવાને શેરીમાંથી સાદ કર્યો:
‘એભલભાઈ, મહેમાનને સાબદા કરજો ! હું અબઘડી માલ ભરીને આવું છું.’
હીરબાઈએ ઝટપટ મહેમાનને દાતણપાણી કરાવ્યાં, શીંકેથી દહીંનું દોણું ઉતાર્યું, કોઠલામાંથી રોટલા કાઢ્યા.
ઓતમચંદને શિરામણ પીરસીને હીરબાઈ ઓસરીમાં આવ્યાં ત્યાં તો ડેલીના ઉંબરામાં, ઉષાની તાજગી ઝીલીને પ્રફુલ્લદલ બનેલ ચંપકફૂલ સમી ચંપા હાથમાં દૂધનો કળશો લઈને ઊભી હતી.
હીરબાઈને નવાઈ લાગી. પૂછ્યું:
‘આજ તો અટાણના પહોરમાં ?’
‘દૂધ લેવા આવી છું—’ ચંપાએ કહ્યું.
‘પણ હજી તો મેં ઢોર દોયાં નથી—’