પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 રાબેતા મુજબ અઢી કલાક ‘લેટ’ની ગણતરીએ જ વાઘણિયાથી નીકળેલા નરોત્તમને થયું રખેને ટ્રેન અઢી કલાકથી વધારે મોડી ન થાય તો તો કદાચ ચૂકી પણ જવાય. એણે વશરામને હુકમ કર્યો:

‘હવે બટુકને ખોળામાંથી હેઠો ઉતારીને જરાક ઝપાટો કર. ગાડી આવી પૂગશે ને આપણે મોડા પૂગશું તો કપૂરશેઠને માઠું લાગશે…’

વશરામે અનિચ્છાએ બટુકના હાથમાંથી લગામ લીધી. બટુકે એ સામે ઘણો વિરોધ કર્યો પણ હવે તો ઝડપભેર સ્ટેશન પર પહોંચ્યા વિના છૂટકો જ નહોતો. વશરામે ગીત ગાવાનું પણ માંડી વાળી ગાડીની ઝડપ વધારી.

‘જગડિયાની સીમમાં ધુંવાડા દેખાય છે, નરોત્તમે દૂર દૂર દેખાતી ટ્રેન અંગે વશરામને નિર્દેશ કર્યો.

વશરામે બટુકના હાથમાંથી પોતાની સોટી પાછી લઈ લીધી અને ઘોડાની પીઠ ઉપર સબોડી. ગાડી પૂરપાટ ઊપડી…

…અને સાથે સાથે નરોત્તમના ચિત્તમાં વિચારસંક્રમણ પણ પૂરપાટ શરૂ થયું.

નરોત્તમ વિચારતો હતો: ઉતારવા જવા માટે તો મોટા ભાઈએ મકનજી મુનીમને તૈયાર કર્યો જ હતો… પણ છેલ્લી ઘડીએ ભાભીએ મુનીમને બદલે મને શા માટે આ કામ સોંપ્યું હશે ?’

‘કાકા, કાકા, કાગડો !’ ગાડીમાં બેઠેલો બટુક બોલતો હતો, પણ અત્યારે એ અણસમજુ છોકરાને ‘હા બેટા, કાગડો !’ જેવો ઔપચારિક ઉત્તર આપવાનો પણ કાકાને અવકાશ ક્યાં હતો !

ઓછાબોલાં અને સગી માતાથીયે અદકાં પ્રેમાળ લાડકોરભાભી ભાગ્યે જ કોઈ વાર પોતાના અધિકારની રૂએ લાડકા દિયરની મશ્કરી કરતાં. પણ આજે વાઘણિયેથી ઘોડાગાડી ઉપાડતાં પહેલાં ભાભીએ નરોત્તમને નજીક બોલાવીને આંખો નચાવતાં નચાવતાં કાનમાં જે હળવી ફૂંક મારેલી એ શબ્દો સાંભળીને નરોત્તમના

ઘોડાગાડીના ઘૂઘરા
૧૭