ઓતમચંદે ચોપભેર તૈયારી કરવા માંડી.
હી૨બાઈએ ગોળપાપડીનું ભાતું એક ડબલામાં ભરીને ભેગું બંધાવ્યું.
આછા ઘૂંઘટમાંથી ચંપા આ બધી ક્રિયાઓ ચકોર નજરે અવલોકી રહી હતી. એના અંતરની વેદનાથી ઓતમચંદ અજાણ નહોતો—બલકે, એનું સમદુઃખી હૃદય આ યુવતીની અંતરવ્યથાની અનુભૂતિ કરી રહ્યું હતું. બંને જણ મૂંગાં હતાં–એકે મૂંગી વિદાય લેવાની હતી, બીજાએ મૂંગી વિદાય દેવાની હતી.
ભારે હૃદયે ને ભારે પગલે ઓતમચંદે ડેલીની દિશામાં ડગ માંડ્યાં ત્યારે ચંપાએ અજબ હિંમત કરીને ઘૂમટાભેર ગોઠણભર થઈને વિદાય થતા વડીલને વંદન કર્યાં.
આ દૃશ્ય જોઈને ઓતમચંદનાં ડગ થંભી ગયાં. મિશ્ર લાગણીઓ અનુભવી રહેલું એનું હૃદય એવું તો હલમલી ઊઠ્યું કે કયા શબ્દોમાં આશીર્વચન ઉચ્ચારવાં એ પણ એને ન સૂઝ્યું. આખરે ગદ્ગદિત અવાજે એટલું જ બોલ્યો:
‘સુખી થાજે, દીકરી !’
આશીર્વચનમાં રહેલો સહૃદય સચ્ચાઈનો રણકો સાંભળીને ચંપાએ કૃતાર્થતા અનુભવી. ઊભી થઈને એણે હીરબાઈને કહ્યું:
‘હીરીકાકી, જેઠજીને કિયો કે ચંપાનાં અન્નજળ તમારે ખોરડે જ લખ્યાં છે—’
પોતાના અંતરના અવાજને કોઈ પારકી જીભે અક્ષરશઃ વાચા મળે ત્યારે માણસ જે આશ્ચર્ય અનુભવી રહે એવું જ આશ્ચર્ય ઓતમચંદે અનુભવ્યું. આભારવશ અવાજે બોલ્યો:
‘જેવા લખ્યા લેખ… ને જેવી લેણાદેણી, દીકરી !… બાકી અટાણે તો અમારા ખોરડા ઉપર આકરી વેળા પડી છે—’
‘પણ હીરીકાકી, તમતમારે કઈ દિયો કે મારા નસીબમાં તો વાઘણિયાનું એક જ ખોરડું લખ્યું છે—’