આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મનેય એમ જ લાગે છે દીકરી !—મારી માંયલો પણ એમ જ કીધા કરે છે કે આમાં બીજો મીનમેખ નહીં થાય…’
‘નહીં જ થાય—’ ચંપા હજી પણ લાજના ઘૂમટામાંથી હિંમતભેર બોલતી જતી હતી.
‘રંગ છે બેટા !’ ઓતમચંદ પણ હવે પુલકિત સ્વરે બોલી ઊઠ્યોઃ
‘વેળા તો વાદળાંની જેમ આવે ને જાય. એના કાંઈ વસવસા ન હોય. વિપદ પડ્યેય વણસે નહીં એનું નામ માણસ.’
અને પછી, જતાં જતાં ધન્યતા અનુભવી રહેલ ઓતમચંદ છેલ્લું વાક્ય ઉચ્ચારતો ગયો:
‘તારા જેવી લખમી અમારા રાંક ઘરનું આંગણું અજવાળશે—’
શ્વશુરગૃહના શિરછત્ર સમા વડીલને આ રીતે મનોમન કોલ આપીને ચંપા ધન્યતા અનુભવી રહી.
ગાડામાં બેસતી વેળા ઓતમચંદ પણ આ ત્રણ-ચાર દિવસની મંત્રણાઓના આવા સુમધુર સમાપનથી જાણે કે સઘળી મનોવેદનાઓ વીસરી ગયો. આ શ્રદ્ધાળુ જીવ શાશ્વત ‘શુભ’માં અચળ આસ્થા મૂકીને અમરગઢના મારગે આગળ વધ્યો.
✽
૧૮૦
વેળા વેળાની છાંયડી