લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી !—’ પણ પછી, એના અસીમ આશાવાદે મનમાં સમાધાન યોજ્યું: રોકડને બદલે નોટું આપી હશે – ને કાં તો પંડ્યે જ અંગરખા નીચે કે કાછડીયે જોખમ ચડાવ્યું હશે.’

‘લાવો મારાં રમકડાં !’ ઓતમચંદ હાથમોઢું ધોઈને પરવાર્યો અને વળગણીએથી ફાળિયું ઉતારીને મોં લૂછવા લાગ્યો ત્યાં સુધીમાં બટુકે તો ‘લાવો મારા રમકડાં’ની એકધારી મોં-પાટ જ ચાલુ રાખી હતી.

પુત્રની આવી બાલસહજ માગણીથી પિતાને એક જાતનો આનંદ થતો હતો અને રમકડાંની સોંપણીમાં એ ઇરાદાપૂર્વક વિલંબ કરીને પુત્રને વધારે પજવવામાં વળી એને અદકો આનંદ થતો હતો; પણ લાડકોરને પત્રની આવી બાલોચિત રીતભાત અત્યારે અકળાવનારી લાગતાં એણે ડારો દીધો :

‘થાક્યાપાક્યા આવ્યા છે એને જરાક વિસામો તો ખાવા દે ! રમકડાં, રમકડાં કરીને લોહી પી ગયો તું તો !’

‘અરે, અરે, આવાં આકરાં વેણ બોલો મા, બોલો મા.’ ઓતમચંદે પત્નીને વારી. ‘હું પણ બટુક જેવડો હતો ને, તંયે મોટા બાપુને આમ જ પજવતો, પણ એને લોહી પીધું એમ ન કહેવાય. બિચારાં બાળુડાં કોને કિયે !’

આટલું કહીને ઓતમચંદ અંદરના ઓરડા તરફ જતાં જતાં બોલ્યો:

‘લાવો, પોટકું છોડીને છોકરાનો કજિયો ભાંગું–’

‘પોટકું તો મેં સાચવીને મેલી દીધું–’ લાડકોર બોલી.

‘ક્યાં ?’

‘હળવે સાદે બોલો, હળવે સાદે,’ પતિને સૂચના આપીને પછી લાડકોરે પોતે અત્યંત હળવે અવાજે ઓતમચંદના કાનમાં ફૂંક મારી: ‘પટારામાં—’

જરાક જ જુદી પરિસ્થિતિ હોત તો ઓતમચંદ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યો હોત. પણ આજના નાજુક સંજોગમાં પત્નીને

મારો દકુભાઈ !
૧૮૩