પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ આટલો વહેલો આઘાત આપવા નહોતો ઇચ્છતો તેથી એણે ગંભીર ભાવે લાડકોર પાસેથી પટારાની કૂંચી માંગી લીધી ને મૂંગે મૂંગે પેલા પોટકામાંથી ‘માલ’ બહાર કાઢી લીધો.

‘લે આ પી-પી !’ મેંગણીમાંથી બીજલે આપેલી વાંસળી બટુકના હાથમાં મૂકતાં ઓતમચંદે કહ્યું.

વાંસળીમાં ફૂંક મારતાં જ બટુક એનો અવાજ સાંભળીને નાચી ઊઠ્યો.

‘વાંસળી કોણે મોકલી બેટા ?–બોલ જોઈએ !’ લાડકોર પોતાને મહિયરથી આવેલી આ અણમોલ ભેટ પર પ્રેષકનું નામ પુત્રના મનમાં પાકું કરાવવા માગતી હતી.

પણ આ ઉત્સવપ્રિય છોકરો નવો નવો સાંપડેલો પાવો વગાડવામાં જ એવો તો ગુલતાન હતો કે આવી વહેવારડાહી વાતમાં એને રસ જ નહોતો.

‘પાવો કોણે મોકલ્યો, બેટા ? — બોલ જોઈએ !’ પુત્રને મોઢેથી જ પાકો ઉત્તર મેળવવા માતાએ ફરી દબાણ કર્યું.

છતાં જ્યારે બટુકે આ સોગાદ મોકલના૨ના ઋણસ્વીકારની પરવા ન કરી ત્યારે આખરે ઓતમચંદે જ એને સૂચવવું પડ્યું:

‘કહે બેટા, કે મામાના દીકરાએ પાવો મોકલ્યો… દકુભાઈએ મોકલ્યો—’

‘મામાના બાલુભાઈએ મોકલ્યો—’ પિતાએ પઢાવેલું પોપટવાક્ય પુત્રે જ્યારે યંત્રવત્ ઉચ્ચાર્યું ત્યારે માતાના હર્ષાવેશની અવધિ ન રહી.

અને છતાં, હરખઘેલી લાડકોરને આવા એક જ રસાનુભવથી સંતોષ થાય એમ નહોતો. પાવાના સૂરમાં ગળાબૂડ સેલારા લેતા પુત્રને મોઢેથી એણે ફરી ફરીને પરાણે આ વાક્ય બોલાવ્યા કર્યું:

‘મામાએ પાવો મોકલ્યો…’

‘મામાએ રમકડાં મોકલ્યાં’’

૧૮૪
વેળા વેળાની છાંયડી