અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી.
રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું:
‘તમે તો ઈશ્વરિયે બહુ રોકાઈ ગયા, કાંઈ !’
જવાબમાં ઓતમચંદે અજબ વ્યંગભર્યું મૂંગું હાસ્ય વેર્યું.
‘હું તો રોજ ઊઠીને દાળભાત ઓરતાં પહેલાં તમારી વાટ જોઉં. બટુક તો ઠેઠ ઝાંપે જઈને ઊભો રહે ને પછી થાકીને પાછો આવે.’
‘મનેય મનમાં તો થાતું કે ઘરે વાટ જોવાતી હશે,’ ઓતમચંદને હવે બોલવાની જરૂ૨ જણાઈ. ‘પણ તમારો દકુભાઈ મને એમ ઝટ નીકળવા દિયે ખરો ?’
‘મારો દકુભાઈ !’ લાડકોરે ગર્વભેર સંતોષ વ્યક્ત કર્યો.
‘રોજ સવા૨માં ઊઠીને વાઘણિયે આવવાનું પરિયાણ કરું ને દકુભાઈ સમસાગરા દઈને રોકી દિયે—’
‘મારો દકુભાઈ !’
‘કાલે સવારે તો હું સાચે જ ખભે ફાળિયું નાખીને નીકળતો’તો, પણ દકુભાઈ ઉંબરા આડે ઊભા રિયા ને કીધું કે જાય અને સહુથી વહાલા સગાના સમ !’